if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મેં આગળ પર જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વખતથી મારી સાધનામાં 'મા'ના સાક્ષાત દર્શન માટેના દિવસો મિથ્યા થતા હતા. તેને લીધે મારી ચિંતા જરા વધી હતી. એમ પણ થતું હતું કે કોઇ સિદ્ધપુરુષ મને મળી જાય અને મારી સાધનાની સિદ્ધિ વિશે ચોક્કસ ખુલાસો કરી દે તો ઘણો આનંદ થાય. 'મા'ની પૂર્ણ કૃપાને તે દ્વારા સાધનાની સિદ્ધિ તો મને મળવાની જ છે. એ માટે તો મારું જીવન છે. એ અંગે મને આંતર-પ્રેરણાઓ પણ મળ્યા કરે છે. તે સફળ થવા માટે જ સર્જાયેલી છે. છતાં પણ વચગાળાના વખતમાં જો કોઇ સમર્થ મહાપુરુષ મળી જાય અને તે પોતાની અલૌકિક શક્તિથી મારી સાધનાની સિદ્ધિના નક્કી દિવસનો ખુલાસો કરે તો મારી મોટી ચિંતા ટળી જાય. એટલે એવા સિદ્ધ પુરુષના દર્શનની ઇચ્છા દિલમાં ખૂબ તીવ્ર બની હતી, અને તેવા પુરુષનું મિલન થાય તે માટે 'મા'ને હું નિરંતર પ્રાર્થના કરતો.

પણ તેવા મહાપુરુષ ક્યાંથી મળે ? તુલસીદાસ કહે છે કે 'સકલ પદારથ હૈ જગમાંહી.' જગતમાં બધા જ પ્રકારના પદાર્થો હયાત છે. તેવી રીતે સાચા મહાપુરુષો પણ છે અને તીવ્ર તરસ હોય તો તેવા પુરુષોનું દર્શન થઇ શકે છે. પણ તીવ્ર ઇચ્છા કે તલસાટ જોઇએ. પ્રખર વિદ્વતાથી કે શોધ કરવાથી તે મળતા નથી. તે તો મનથી મળે છે, અને તેમને માટેની ભૂખ તથા વેદનાના પરિણામરૂપે જડે છે. એવી વેદનાવાળા કેટલાય પુરુષોને આજ સુધી એવા સમર્થ પુરુષોનો સમાગમ થયો છે ને ભવિષ્યમાં પણ થતો રહેશે. ઇશ્વર કે પોતાના ઇષ્ટ દેવતા પર આધાર રાખીને જે સાધન કરે છે, તેમને ઇશ્વરની કૃપાથી પણ તેવા સિદ્ધ પુરુષોનું દર્શન થઇ જાય છે. ઇશ્વરની ઇચ્છાથી તેવા સિદ્ધ પુરુષો સાધકને સહાય કરવા ને ઉત્સાહ આપવા તેની સામે પ્રકટ થાય છે.

મહાપુરુષોના વચનોમાં મને શ્રદ્ધા હતી અને હું માનતો કે જે માગે છે તેને મળે છે જ. એટલે દિવસો મિથ્યા જતા હતા છતાં, 'મા'ની પૂર્ણ કૃપાને જરા વાર હોય તો પણ, કોઇ સમર્થ મહાપુરુષના મિલન માટે 'મા'ને પ્રાર્થવાનું કામ જરા પણ નિરાશ થયા વિના મેં ચાલુ રાખ્યું હતું. એને પરિણામે કેટલાક મહાપુરષોના દર્શનનું સૌભાગ્ય મને મળ્યા કરતું.

હિમાલયવાસ દરમ્યાન કાંઇક નક્કી અને નક્કર કામ કરી લેવું એવી ઇચ્છા શરૂઆતથી જ હતી. તે ઇચ્છાથી પ્રેરિત થઇને જ મેં નવરાત્રીના ઉપવાસનો આરંભ કર્યો. તે દિવસોમાં મુંબઈના એક પ્રેમી ભાઇ શિરડી શ્રી સાંઇબાબાના દર્શને ગયા. તેમનો મારા પર પત્ર આવ્યો. તેમાં તેમણે શિરડી અને સાંઇબાબાના ખૂબ વખાણ કર્યા. એ વાંચીને મને પણ શિરડીનો પ્રવાસ યાદ આવ્યો ને સાંઇબાબા મને મદદ કરે તો સારું એવો વિચાર દૃઢ થવા માંડ્યો. 'મા'ને પણ મેં પ્રાર્થના કરી. તેને પરિણામે સાંઇબાબાનો સમાગમ શરૂ થયો અને પછી તો સતત ચાલુ રહ્યો.

એ વખતના અનુભવો જરા અજબ રીતે થતા. રાતે ૩।।-૪ વાગ્યા સુધી ખૂબ પ્રાર્થના ચાલ્યા કરતી. તે પછી શરીર થાકવાથી આરામ લેવા માટે આડો પડતો તો તરત જ નાદ શરૂ થઇને એક જાતની સમાધિ થતી. દસ પંદર મિનીટના અનુભવ પછી પાછું તરત ભાન આવતું. એવી રીતે કેટલાય અનુભવો થયા હતા. પણ મારી ઇચ્છા જાગૃતિમાં કોઇ અનુભવ મેળવવાની હતી. તેવા જાગૃતિના અનુભવને માટે લાંબા વખતથી મારો તલસાટ ચાલુ હતો. 'મા'ને પ્રાર્થના પણ ચાલુ હતી. આસો વદી બારસની રાતે ખૂબ ચિંતામાં બેઠો હતો. પ્રાર્થના ચાલુ હતી. સાંઇબાબાને મેં મનોમન પ્રાર્થના કરીને કહ્યું કે તમે તમારા ભક્તોને મદદ કરવા ખડે પગે તૈયાર રહો છો. તો હું પણ તમારો પ્રેમી, પ્રસંશક અને ભક્ત છું એમ માની લેજો. તમારા પરચા પ્રસિદ્ધ છે, ને તમારી શક્તિ વખણાય છે. તો તે બધું સાચું હોય તો મને તમારું સાક્ષાત દર્શન આપીને 'મા'ના દર્શન વિશે ખુલાસાવાર જણાવી દો. આવી પ્રાર્થના ચાલતી હતી ત્યાં તો તરત કૈંક તંદ્રા જેવું થયું. પણ તે વખતે પણ હું જાગું છું એમ ભાન રહ્યું. શ્રી સાંઇબાબાએ એ દશામાં દર્શન આપ્યું.

બીજી રાતે એક બીજો અનુભવ થયો. રાત્રે ૩।।। વાગ્યા બાદ જરા આરામ કરવા આડો પડ્યો તો તરત જ ખૂબ નાદ સાથે સમાધિ દશા શરૂ થઇ. એવી દશા એ દિવસોમાં સ્વાભાવિક થઇ ગઇ હતી. તે વધારેમાં વધારે પા કે અર્ધો કલાક રહેતી. આ વખતે તે દશા પા કલાક રહી. તેમાં શું થયું ? સાંઇબાબાને ખૂબ પ્રાર્થના કરતાં જાણે કોઇ મોટા મકાનમાં શોધું છું. એટલામાં બેત્રણ સ્ત્રીઓ દેખાય છે. તે એક હોલમાં પ્રવેશે છે ને સાંઇબાબા એમ બોલે છે. હું પણ ત્યાં જાઉં છું. ત્યાં ઊંચા આસન પર જુદા વેશમાં શ્રી સાંઇબાબા બેઠા છે. હું જઇને પગે લાગું છું. કહું છું કે તમે પહેલાનું રૂપ ધારણ કરો. એમ કહેતાં વાર જ તેમને દાઢી-મુછ ને માથે વસ્ત્ર થઇ જાય છે ને તે ફોટામાં પ્રચલિત રૂપવાળા દેખાય છે. પછી હું તેમને કહું છું કે મારું બધું કામ થઇ જાય એવો આશીર્વાદ આપો ને મારો જયજયકાર થાય માટે હાર પહેરાવો. તે મારે માથે હાથ ફેરવે છે ને મારા ગળામાં સુંદર માળા પહેરાવે છે. એ પછી કેટલીક બીજી વાત થાય છે ને મને ભાન આવે છે.

એ ઉપરાંત પણ સાંઇબાબાના બીજા અનુભવો થયા હતા. એ રીતે વિચારીએ તો કહી શકાય કે નવરાત્રી પછીના દિવસોમાં સાંઇબાબાના અનુભવો કેટલાય પ્રમાણમાં થતા રહ્યા છે. જે ઇશ્વરી શક્તિ કે જગદંબાની મારા પર નિરંતર નજર છે તેની ઇચ્છાથી જ મને એવા સુંદર અનુભવો મળતા હતા અને સાંઇબાબા જેવા સમર્થ સિદ્ધ પુરુષનો સંબંધ પણ તેની જ કૃપાથી થયો હતો. સાંઇબાબા જેવા મહાપુરુષે આમ મારી સાથે સંબંધ બાંધ્યો તે મારે માટે કેટલા બધા આનંદની વાત છે તે શબ્દો દ્વારા કહી શકાય તેમ નથી. તેનો આનંદ તો અંતર જ જાણે છે ને માણે છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.