Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઋષિકેશથી મોટર ઊપડી ત્યારે ભરત મંદિર, હિમાલય પર્વત ને ગંગામાતાને મેં ફરી પ્રણામ કર્યા. એ સૌના સાંનિધ્યમાં રહીને  સાધનાના માર્ગમાં જે સુંદર અનુભવો થયા હતા તે ભારે કીમતી અને ભૂલ્યા ભુલાય નહિ તેવા હતા.

મુંબઈ લગભગ બે મહિના રહેવાનું થયું. મુંબઈના નિવાસ દરમ્યાન કેટલાય યાદગાર પ્રસંગો બન્યા. તેમાં એક પ્રસંગ શ્રી સાંઈબાબાના પ્રસિદ્ધ સ્થાન શિરડીની મુલાકાતનો હતો.

મુંબઈથી નીકળીને લગભગ ૨।।। મહિના અમે સરોડા રહ્યાં. તે પછી એકાદ માસ સાબરમતી રહેવાનું થયું. આ વખતે સાબરમતી રહેવાનો વિચાર નહોતો પણ ઈશ્વરની ઈચ્છા બળવાન છે તેની ઈચ્છા પ્રમાણે બધું થયા કરે છે એટલે સાબરમતીની મુલાકાત લેવી પડી. ત્યાં નલિનીબેન તથા સુરેન્દ્રભાઈએ પ્રેમપૂર્વક સેવા કરી. મોહનભાઈ તથા શારદાબેને પણ અદભૂત પ્રેમ બતાવ્યો.

સાબરમતીમાં રહેવાનું મકાન સારું અને સાનુકુળ હતું. એ મકાનમાં બેન તારા પણ બાળકો સાથે અમારા આમંત્રણથી અમારી સાથે રહી. પરંતુ અમારી સાથે રહેવાનો લાભ મળવા છતાં તેને માટે સત્સંગનો લાભ લેવાનું મુશ્કેલ હતું. તેને બંને પગે વાળા નીકળેલા. સરોડામાં લોકો વાવના પાણીને એક અથવા બીજી રીતે ગંદુ કરતા. તે પાણી પીવાના કામમાં વપરાતું....એટલે ગામમાં ઠેકઠેકાણે વાળાનો ઉપદ્રવ શરૂ થયેલો. તારાબેનની રહેવાની ઓરડી અમદાવાદમાં ઘણી નાની હોવાથી અમે એને સારવાર અને આરામ માટે અમારી પાસે સાબરમતી લઈ આવ્યાં.

સાબરમતીમાં લાવ્યા પછી બેનને માટે બનતા ઉપચારો ચાલુ રાખ્યા, પણ પૂરો આરામ ના થયો. વાળાના ભયંકર દર્દને લીધે તેનાથી હરીફરી તો શું પણ ઊઠી શકાતું પણ ન હતું. દર્દ ઘટવાને બદલે વધ્યે જતું. ખાસ વાત તો એ હતી કે, અમારે હિમાલય જવાનો સમય પાસે આવતો જતો હતો. તે દશામાં બેનને આરામ ના થાય અને દર્દ આવું જ ચાલુ રહે તો તેની પૂરતી સારવાર થઈ શકે તેમ ન હતું. તેના મોટા પુત્ર રમેશને પણ તેના જેવી જ વાળાની પીડા હતી. એટલે સમસ્યા જરા ગંભીર હતી.

છેવટે અમે વિચાર કર્યો કે આ વખતે આવી મુશ્કેલીના વખતમાં માતાજીએ બેનને લઈને સરોડા જવુ, સરોડા જ રહેવું. ને મારે એકલાએ જ હિમાલય માટે રવાના થવું. એ વરસે મારે બદરીનાથ જવાનું નક્કી હતું. બદરીનાથની ઠંડી માતાજીથી સહન થઈ શકશે કે કેમ તે પ્રશ્ન ઊભો જ હતો તેમાં વળી બેનને આવા કટોકટીના સમયે સેવાની જરૂર હતી, એટલે તે વિચાર બીજાને રુચિકર થઈ પડ્યો.

તે પ્રમાણે કેટલીક જરૂરી વ્યવસ્થા કરવા માતાજી એક દિવસ સરોડા જવા વિદાય પણ થઈ ગયાં. ત્રણેક દિવસ રોકાઈને સરોડાથી તે પાછાં આવી પહોંચ્યા. હિમાલય માટે પ્રસ્થાન કરવાનો દિવસ નક્કી હતો. તે પ્રમાણે બે દિવસ પછી મારે નીકળવાનું હતું. માતાજી લગભગ ઈ.સ. ૧૯૪૮ થી કાયમને માટે મારી સાથે જ રહેતાં. મારાથી છૂટા પડવાનો અવસર તે દરમ્યાન તેમને માટે પહેલો જ હતો. પણ તે સમજુ હતાં ને પરિસ્થિતિની ગંભીરતાને જાણતાં. ધર્મ, ઈશ્વર કે આધ્યાત્મિકતાના નામે સ્વધર્મ પ્રત્યે આંખમીચાંમણાં કરવાનું અથવા જરૂરી સેવા-કર્મની અવગણના કરવાનું શિક્ષણ તેમને મળ્યું ન હતું. તેવા શિક્ષણમાં તેમને શ્રદ્ધા પણ ન હતી. તેથી તેમને કોઈ જાતનો શોક ન હતો. બેનની સાથે રહેવા તે પ્રસન્નતાપૂર્વક તૈયાર થયા. ઈશ્વરની ઈચ્છાથી જે પરિસ્થિતિ ઊભી થાય તે શાંતિપૂર્વક વધાવી લેવાની મારી તૈયારી હતી. શરૂઆતના જીવનમાં હિમાલયમાં વરસો સુધી હું એકલો જ રહ્યો હતો એટલે એકાંત જીવનનો મને અભ્યાસ હતો. એકાંતવાસ પ્રત્યે મને પહેલેથી જ અભિરુચિ હતી. વળી બેનની વિકટ પરિસ્થિતિનો બરાબર ખ્યાલ હતો. એ પરિસ્થિતિમાં તેને મદદરૂપ થવાની જરૂર હતી. એટલે માતાજી આ વખતે તેની પાસે રોકાઈ જાય તે મને બરાબર લાગ્યું.

પરંતુ વિવેકી માણસને જીવનમાં એવા ઘણા અનુભવ થાય છે જે તેને સમજાવે છે કે આખરે તો બધું ઈશ્વરની ઈચ્છા પ્રમાણે અથવા કોઈ અદૃષ્ટ કર્મોના રહસ્યના પરિણામે થયા કરે છે. મારે માટે એ વાત કાંઈ નવી ન હતી. છેલ્લા કેટલાક વરસોથી મારા જીવનની ગતિવિધિ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ થયા કરતી. મારા જીવનમાં લાંબા વખતથી ઈશ્વરની ઈચ્છાનો અનુવાદ જ થઈ રહ્યો હતો. તે પ્રમાણે બેનની બાબતમાં પણ ઇશ્વરની ઇચ્છા શું છે તેની માહિતી મેળવવાનો મને વિચાર થયો, ને મારો વિચાર ઇશ્વરની કૃપાથી એકાએક સફળ થઇ ગયો.

વૈશાખી પૂનમની રાત હતી. તારીખ ૧૪-૫-૧૯૫૪ મોડી રાતે મકાનના ઉપરના ઓરડામાં હું પથારીમાં પ્રાર્થના કરવા બેઠો હતો. પ્રાર્થના પૂરી થયા પછી મેં ધ્યાન શરૂ કર્યું. બહાર બધે ચાંદની પથરાઇ ચુકી હતી. એટલે વાતાવરણ ખૂબ ખુશનુમા હતું. શ્રી સાંઇબાબાએ મારી અંદર પ્રવેશ કર્યો ને મારી અંદરથી સુમધુર ને સ્પષ્ટ શબ્દોમાં બોલવા માંડ્યા : 'હું સાંઇબાબા છું. આમ તો આખા વિશ્વમાં રહું છું પણ વધારે ભાગે શિરડીમાં સાક્ષાત રહું છું.' પછી મારા તરફ સંકેત કરીને કોઇ બીજાને કહેતા હોય તેમ કહેવા લાગ્યા : 'આ મહાન પુરુષ છે. યુગાવતાર છે. તેના દ્વારા ભારત અને વિશ્વમાં મહાન કામ થવાનું છે. તેના પર મને પ્રેમ છે એટલે મેં તેની અંદર આવેશ લીધો છે. આ વખતે તેની સાધના પૂરી થઇ જશે. તેનું કામ થઇ જવાનું છે.' તે શબ્દો સાથે તેમણે મારા બે પૂર્વજન્મોની વાત પણ કહી બતાવી. મને થયેલા પૂર્વજન્મના જ્ઞાન સાથે તે વાત બરાબર મળતી હતી.

એટલી વાત કરીને સાંઇબાબાએ મધથી પણ મીઠા સ્વરમાં મને કહેવા માંડ્યું : 'માતાજી ભલે હિમાલય જાય, બેન અને બાળકો અહીં જ રહે. તે મારા જ બાળકો છે. તેમને હું દુઃખ પડવા દઇશ ? ના ... ના, તેમને કાંઇ જ વાંધો નહિ આવે.' એ પછી તે અદૃશ્ય થઇ ગયા. મને શરીર તથા આજુબાજુના વાતાવરણનું ભાન આવ્યું. હું પથારી પર ટટ્ટાર બેઠો હતો. ઘડિયાળમાં જોયું તો બરાબર સવા વાગ્યો હતો. બહાર બધે ચંદ્રમા જાણે કે કિરણોના રૂપમાં નીચે આવીને પૃથ્વી સાથે રમી રહ્યો હતો. થોડા વખત સુધી બહાર અગાશીમાં ઊભો રહીને હું તેની રમતને નિહાળી રહ્યો.

સાંઇબાબાનો અનુભવ કેટલો બધો સુંદર, સમયસર અને અલૌકિક હતો ? તેથી મારા અંતરમાં આનંદ આનંદ છવાઇ રહ્યો. સાંઇબાબા જેવા મહાસમર્થ સંતપુરુષ મારા પર પ્રેમ રાખીને, મારામાં કોઇ વિશેષ અધિકાર ના હોવા છતાં, મારા પર પ્રેમ અને કૃપા કરે છે તે ખરેખર મારું સદભાગ્ય જ છે. તેમના જેવા મહાપુરુષની કૃપાથી જ મારી રહીસહી ગંદકી દૂર થશે, ને અવગુણ ને અલપ્તાના સાગર જેવો હું, ગુણ ને શક્તિના ભંડારમાં પલટાઇને, સાચો સંત બની શકીશ.

સવારે ઉઠીને મારા અનુભવની વાત મેં માતાજીને અને બેનને કરી દીધી. તે ખુશ થયાં. છતાં મેં છેવટનો નિર્ણય તો માતાજી પર જ છોડી દીધો. પણ તેમને મારી વાત અને મારા અનુભવમાં શ્રદ્ધા હતી. બેનને પણ વિશ્વાસ હતો. તેથી છેક છેલ્લી ઘડીએ માતાજીએ મારી સાથે હિમાલય આવવું એમ નક્કી થયું. ઇશ્વરે પોતાની ઇચ્છાને અજબ રીતે અમલી બનાવી દીધી.

બે દિવસ પછી બેનને ઊંચકીને કન્યા પધરાવે તેમ, મોટરમાં બેસાડીને અમદાવાદ તેને ઘેર મૂકી આવ્યાં અને અમે સ્ટેશન પર પહોંચ્યાં. બેનથી હજી ઉઠાતું ન હતું. પણ સાંઇબાબા જેવા સમર્થ મહાપુરુષોના વચનનો પ્રભાવ તો જુઓ ! બેનને કંઇ જ તકલીફ ના પડી. એક મહિનાની અંદર સંપૂર્ણ આરામ થઇ ગયો. બેન અને બાળકોને સાંઇબાબા પોતાના બાળકો ગણે છે એ વાત યાદ આવતાં મને આનંદ થાય છે. તેવી રીતે તેમને કાયમ માટે પોતાના ગણીને તેમની તે રક્ષા કરે અને તેમને પોતાના અને પ્રભુના કૃપાપાત્ર બનાવે, એવી મારી તે મહાપુરુષને પ્રેમપૂર્વક પ્રાર્થના છે, વિનંતિ છે.

માણસનું સમસ્ત જીવન એ પ્રમાણે ઇશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલે ત્યારે કેટલો આનંદ થાય છે ? તેનામાં કર્તૃત્વનો કે બીજો અહંકાર પછી જરાયે રહેતો નથી, સંકલ્પ-વિકલ્પો રહેતા નથી અને ભૂત, વર્તમાન તથા ભાવિની બધી ચિંતાનો અંત આવે છે. ઇશ્વરરૂપી 'મા'ની છાયામાં તે સદાય સલામત બનીને નમ્રાતિનમ્ર થઇને જીવે છે, એક જાતની મંગલ જીવનમુક્ત દશાનો અનુભવ કરે છે, તે દશાની પ્રાપ્તિ મુશ્કેલ છે. કોઇ કારણથી તે પ્રાપ્ત થઇ જાય તો પછી બધી જાતના ભય, શોક, ભ્રમ, મોહનો અંત આવે છે અને જીવન ઉત્સવમય બને છે.