if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આખરે એ દિવસ આવી પહોંચ્યો. ગયા કારતક મહિનામાં ઋષિકેશની પવિત્ર ભૂમિની વિદાય લીધી ત્યારે અંતરમાં એક પ્રકારનો અનેરો આનંદ હતો. સાધનાની સિદ્ધિનો દિવસ જાણવા મળ્યો તેથી મનમાં પ્રસન્નતા હતી. કોઈ વાર એમ પણ થતું કે જેઠ મહિનો તો ઘણો દૂર છે. ત્યાં સુધી રાહ જોવી પડશે. 'મા'નું અમૃત નીતરતું અલૌકિક મુખ ત્યાં સુધી જોવા નહિ મળે, 'મા'ના મધઝરતા મીઠા શબ્દો સાંભળવા નહિ મળે. ને ત્યાં સુધી જીવન સંપૂર્ણપણે સફળ નહિ બને. જીવનની સંસિદ્ધિનો આનંદ પણ નહિ મળે. પણ બીજો ઉપાય જ ક્યાં હતો ? જેઠ મહિનો આવે ત્યાં સુધી ધીરજ રાખીને રાહ જોયા વિના છૂટકો જ ન હતો. ગીતામાતાએ સર્વ પ્રકારના કર્મોની સિદ્ધિ માટે પાંચ વસ્તુને મહત્વની માની છે તેમાં દૈવનો સમાવેશ કરવામાં આવ્યો છે. માણસે કરેલા પુરુષાર્થ પરથી નક્કી થયેલા પ્રારબ્ધને પણ તેમાં સ્થાન આપવામાં આવ્યું છે. કેટલાક વિચારકો તેને કાળ પણ કહે છે. દરેક કર્મને ફળવાનો નક્કી કાળ કે સમય હોય છે. તેનો નિર્ણય કર્મની વ્યવસ્થા પ્રમાણે થાય છે. તે સમય સુધી માણસે રાહ જોવી પડે છે. બીજ જમીનમાં પડી ગયું. પણ તે ફુટીને અંકુર થાય તેને માટે ધીરજ ધારણ કરવાની જરૂર પડે છે. સાધનામાં પણ તે નિયમ લાગુ પડે છે. સાધનાની સિદ્ધિ માટેનો પુરુષાર્થ ફળે છે જરૂર, પણ તે માટે કેટલીક રાહ જોવી પડે છે. મારે માટે પણ રાહ જોયા વિના છૂટકો ન હતો.

પરંતુ કાળ પોતાનું કામ કર્યે જાય છે. સમયનું ચક્ર ફરતું જાય છે. માણસ ચાહે કે ના ચાહે તો પણ દિવસ પર દિવસ વીતતા જ જાય છે. તે પ્રમાણે વચગાળાના દિવસો વીતી ગયા ને જેઠ સુદી પાંચમનો દિવસ આખરે આવી પહોંચ્યો. 'મા'ની કૃપા અથવા સાધનાની સિદ્ધિનો દિવસ. જે દિવસની ઊંડી આશાથી પ્રતિક્ષા કરેલી તે દિવસ.

આ વખતનો દિવસ શ્રી સાંઇબાબા જેવા સમર્થ પુરુષે જાગૃતિમાં આપેલો હોવાથી સાચો પડશે જ એવી ખાતરી હતી. છતાં શુક્રવારે રાતે જરા ચિંતા થઇ ત્યારે મારા પર અત્યંત પ્રેમ રાખનાર સાંઇબાબાએ મને આંતરજગતમાં અનુભવ આપતાં કહ્યું કે : 'આજે પાંચમ ક્યાં છે ? પાંચમ તો કાલે છે. કાલે 'મા'નું સાક્ષાત દર્શન થઇ જશે ને બધું કામ થઇ જશે.'

સાંઇબાબાની કૃપા ઘણી છે. તેમની શક્તિ અસીમ છે. મારા જીવનના અનુભવો પરથી તેની ખાતરી થશે. તે બદરીનાથ પણ પહોંચી ગયા. તે તો બધે જ છે, ને વારંવાર મને સુચના આપે છે કે તે મારી સાથે જ છે. એવા મહાપુરુષ - સંસારના પ્રથમ પંક્તિના સિદ્ધપુરુષની કૃપા બદલ હું મારી જાતને બડભાગી માનું છું. ઋષિકેશ છોડ્યા પછી પણ તેમના દર્શનાનુભવ વારંવાર થતા જ રહ્યા છે. જેઠ સુદી પાંચમને દિવસે સવારે ને રાતે થયેલા અનુભવને યાદ કરીને રોજની જેમ મેં શ્રી સાંઇબાબાને પ્રાર્થના કરી કે તમારી જેમ સંપૂર્ણ, સમર્થ ને સિદ્ધ થવા માગતા મારા જેવા બાળકને તમે જે સાધનાની સિદ્ધિનો દિવસ આપ્યો છે તે પ્રમાણે આજે મારું બધું જ કામ થઇ જવું જોઇએ. તમારા જેવા મહાપુરુષનું વચન મિથ્યા જાય તો તે તમારે માટે નામોશીરૂપ ગણાશે ને તમારા ભક્તોની શ્રદ્ધાને ડગાવનારું સાબિત થશે. માટે આજે તમે આપેલો દિવસ જરૂર સાચો પાડી દો ને મને સફળ મનોરથ કરી દો.

બદરીનાથ ભગવાનને પણ પ્રાર્થના કરી કે હે ભગવાન, હું તમારા ધામમાં ને તમારા સ્થાનમાં સાધનાની સિદ્ધિની આશાથી બેઠો છું. તમારામાં સાચ હોય તો મારી ઇચ્છા આજે જરૂર પૂરી કરી દો. એમ કરવાથી આ ધામનું ગૌરવ વધારે વધશે. તમે જો અતિથિને તૃપ્ત કરવામાં માનતા હોય તો મને તૃપ્તિ ધરી દો. 'મા'ની પૂર્ણ કૃપા વિના મારા મનમાં બીજી કોઇયે વસ્તુની કામના નથી.

જેઠ સુદી પાંચમને દિવસે વહેલી સવારે જરા વરસાદ પડ્યો. તેથી ઠંડી વધી ગઇ. સૂર્યનારાયણના દર્શન દુર્લભ થયા. ગરમ પાણીના કુંડમાં નહાવાની વ્યવસ્થા ના હોત તો માણસની શી દશા થાત એ વિચાર મને ને માતાજીને વારંવાર આવી જતો. 'મા'ની પ્રાર્થના તો ચાલુ જ હતી. કેટલાંય વરસોથી તે શરૂ થઇ ચુકેલી. હવે તો તેની પૂર્ણાહુતિની જ વાર હતી. 'મા'ની કૃપા માટે મેં કેટલી ચિંતા, વેદના ને બેચેની અનુભવી ! પોતાની પૂર્ણતા ને સંસારની સુખાકારીના વિચારને વળગી રહીને 'મા'ની કૃપા માટે મેં પ્રત્યેક દિવસે ને પ્રત્યેક પળે આતુર આંખે રાહ જોયા કરી છે.  હવે તેની પૂર્ણાહુતિનો દિવસ 'મા'ની યોજના પ્રમાણે આવી પહોંચ્યો ત્યારે 'મા'ને મેં વળી ઉત્કટ ભાવે વિનવણી કરી કે હે મા, મારી પ્રાર્થનાને ધ્યાનમાં લઇને આજે તમે મારી સામે જરૂર પ્રકટ થઇ જાવ અને આ ઉત્તમ ધામમાં તમારી પૂર્ણ કૃપાનો વરસાદ વરસાવીને જીવનની ઉત્તમતાનું દાન દો. મને તમારો પૂર્ણ કૃપાપાત્ર બનાવી દો. પછી તમારા પ્રેમમાં મસ્ત બનીને, તમારી કૃપા ને શક્તિથી સુશોભિત થઇને તમારી સાથે રહીને તમારા મહિમાને સંસારમાં ફેલાવવાના ને માનવજાતિને શાંતિ તથા પ્રકાશનો નવો પંથ બતાવવાના મહાકાર્યમાં હું મુક્ત રીતે તમારી ઇચ્છા પ્રમાણે જોડાઇ જાઉં. તમારું રૂપ રૂપના અંબાર જેવું સ્વરૂપ આજે મને જરૂર બતાવો ને તમારા પ્રેમમાં પરિપ્લાવિત કરીને કૃતાર્થ કરો. મારામાં કોઇ શક્તિ નથી છતાં તમે 'મા' છો ને હું તમારો પુરાણો પ્યારો બાળક છું. માટે કૃપા કરો. તમે જ મારા સ્નેહી, સ્વજન, પ્રાણ, સર્વ કાંઇ છો. તમારા વિના મને ચેન નથી, આરામ નથી. તમારી કૃપા વિના મારું દુઃખ-દર્દ દૂર થાય તેમ નથી ને મારો ઉદ્ધાર પણ અસંભવ છે. માટે આજે જરૂર પધારો, વહેલામાં વહેલી તકે પધારો.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.