Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કેટલીક વાર કહેવામાં આવે છે કે 'જેને રામ રાખે તેને કોણ મારી શકે ?' એટલે કે ઇશ્વર જેની રક્ષા કરવા તૈયાર રહે છે તેને કોઇ રીતે ઉની આંચ પણ આવતી નથી. તેની રક્ષા કેટલીક વાર કલ્પનામાં પણ ના આવે એવી અજબ અને આકસ્મિક રીતે થઇ જાય છે. તેને પોતાને ને બીજાને પણ તેથી કેટલીક વાર અજાયબી લાગે છે. એ વાતની યાદ આપતો એક પ્રસંગ બદરીનાથ યાત્રામાં બની ગયો. બદરીનાથના માર્ગમાં વિષ્ણુપ્રયાગથી આગળ જતાં બલદૌડા ચટ્ટી આવે છે. ત્યાંથી ઘાટ ચટ્ટીનો લગભગ ત્રણેક માઇલનો માર્ગ જરા વધારે કપરો, પથરીલો ને લાંબો લાગે છે. એ માર્ગે આગળ ચાલતાં શરૂઆતમાં જ એક પુલ આવે છે. તેને પસાર કરીને અમે આગળ વધી રહ્યાં હતાં, એટલામાં કોઇની બૂમ સાંભળી. અમારી સાથે બીજું કોઇ હતું નહિ એટલે બૂમનું કારણ અમારી સમજમાં આવ્યું નહિ. હું ને માતાજી બંને જરા વિસ્મિત બની ઊભાં રહ્યાં. ધ્યાનપૂર્વક જોયું તો જણાયું કે પુલને સામે છેડે કેટલાંક માણસો ઊભાં ઊભાં બૂમ પાડી રહ્યાં હતાં. બૂમનું કારણ સમજવા અમે આગળ જોયું. તે જ વખતે આખોયે પ્રસંગ અમારી સમજમાં આવી ગયો. વાત એમ હતી કે એક ડોશીમા બદરીનાથથી પાછાં ફરીને પુલ તરફ જઇ રહ્યાં હતાં. તેમના સાથી આગળ નીકળી ગયા હતા ને તે પાછળ પડી ગયેલાં. આંખ બરાબર કામ કરતી નહિ હોવાથી તે મુખ્ય માર્ગ ભૂલી ગયેલાં ને બીજા ભળતાં જ પગદંડીના માર્ગે ચઢી ગયેલાં. મુખ્ય માર્ગ પરથી તે ગંગાજી તરફ આગળ લઇ જતો ને પછી પર્વતની ઊંચાઇ પર પૂરો થતો. ત્યાંથી જો કોઇ માણસ એક ડગલું પણ આગળ વધે તો નીચે ગંગામાં જ પડે ને રામશરણ થઇ જાય એવી દશા હતી. ડોશીમા તે પગદંડીને છેડે, બરાબર ભયસ્થાનના છેલ્લા પગલે લાકડી લઇને ઊભાં ઊભાં આગળ વધવાની તૈયારી કરતાં હતાં, તે જ વખતે પુલ પાસેના માણસોએ બૂમ પાડી. અમારી નજર પણ તેમના પર પડી અને અમે પરિસ્થિતિનો પાર પામી ગયા. ડોશીમા અમારી તદ્દન પાસે હતા. તેમની પાસે પહોંચીને તે આગળ પગલું ભરે તે પહેલાં જ અમે તેમને મુખ્ય માર્ગ પર દોરી લાવ્યાં. વખત એવો હતો કે એક જ ડગલું તેમના જીવનનો નિર્ણય કરી નાખે. પરંતુ જેને રામ રાખે તેને કોઇપણ શું હરકત કરી શકે ? ડોશીમાની સાથે કોઇ ન હતું. તેમના બધા જ સાથી આગળ થઇ ગયેલા, પણ પ્રભુનો સાથ તેમને મળી ગયેલો. જે સૌની સમીપમાં સમીપ વાસ કરે છે તે પ્રભુ તેમનાથી દૂર ન હતા. તેમણે જ તેમને બચાવી લીધા. ડોશીમાએ બધી વાત જાણી ત્યારે તેમની આંખમાં પાણી આવી ગયું. પુલનો માર્ગ બતાવીને અમે તેમને કહ્યું : આ યાત્રાનો માર્ગ વિકટ છે. તેમાં એકલા ના ચાલશો. કોઇ વાર રસ્તો ભૂલી જઇને આડમાર્ગે ચઢી જવાનો ભય રહે છે.

તેમની આંખ વધારે ભીની થઇ ગઇ. તેમણે કરુણતાથી કહ્યું : 'સાથવાળાં માણસો મારો સંગાથ કર્યા વિના આગળ ને આગળ ચાલ્યા જાય છે.'

સાથવાળાં માણસો પણ કેવાં વિચિત્ર કહેવાય ? ઘરડા માણસની સંભાળ રાખવાની ફરજ ચુકીને યાત્રાનું કયું પુણ્ય મેળવવાની તેમની ઇચ્છા છે ? ક્યા ફળને મેળવવા માટે તે અધીરા થઇને આગળ ને આગળ ચાલી રહ્યાં છે ?

ડોશીમાને માર્ગ બતાવવાની અને તેમાં ઇશ્વરનો હાથ જોવાની જે તક મળી તેથી અમને આનંદ થયો. અમે વિચાર કરવા માંડ્યા કે ઇશ્વર જેને ઉગારવા ઇચ્છે છે તેને કેવી અજબ રીતે ઉગારી લે છે ! અમે ઇશ્વરને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે દયામય ! જીવનનો મુખ્ય માર્ગ ભૂલી જઇને જ્યારે પણ વિપથગામી બની જઇએ ત્યારે તમારી અદૃશ્ય મદદ અમને વેળાસર મળી રહેજો ને તમારી અમીદૃષ્ટિથી અમારું જીવન સફળ બનાવજો. તમારો અને અમારો સાથ કદી પણ ના છૂટજો. જીવનની વિકટ યાત્રામાં તમે સદાયે અમારી સાથે ફરજો.

બદરીનાથથી પાછા ફરતી વખતે પણ એ સ્થાન આવ્યું ત્યારે આખોય પ્રસંગ અમારી નજર સામે તાજો થયો અને ઇશ્વરની અદૃશ્ય શક્તિનો વિચાર કરતાં અમારું અંતર ગદગદ બની ગયું.

બદરીનાથમાં એક વિરક્ત સાધુપુરુષનું દર્શન થયું. તે મંદિરની બહાર એક દુકાનની દિવાલ પાસે ચોકમાં રહેતા. તેમનું નામ રામદાસજી. છેલ્લાં કેટલાંક વરસોથી તે શિયાળામાં પણ ત્યાં જ રહેતા. શિયાળાના દિવસોમાં બદરીનાથની ભૂમિ બરફથી છવાઇ જાય છે. તે વખતની ભયંકર ઠંડીની કલ્પના સહેજે કરી શકાય છે. એવી ઠંડીમાં કોઇના પણ સાથ વિના રામદાસજી બદરીનાથમાં રહેતા, એ તેમની નિતાંત એકાંતપ્રિયતા ને તિતિક્ષાની નિશાની હતી.

બદરીનાથમાં બારેમાસ રહેનારા મહાત્માપુરુષો છેલ્લાં પચાસેક વરસોમાં બેત્રણ થઇ ગયા છે. તેમાંના એક સિદ્ધ બાબા સુંદરનાથજી ને બીજા બચ્ચીદાસજી. બચ્ચીદાસજી વિશે કહેવાય છે કે તે શિયાળામાં કેટલીક વાર બદરીનાથ છોડી દેતા. તે ઉપરાંત, વસુધારાની ગુફામાં પણ એક મહાપુરુષ રહેતા. એ ત્રણે મહાત્માઓ હિમાલયની ભૂમિમાં જ શાંત થઇ ગયા છે. સુંદરનાથજી વિશે એમ કહેવાય છે કે તે અદૃશ્ય થઇ ગયા છે. તે વાતને યાદ કરીને રામદાસજી કહે છે કે મારું પણ એમ જ થવાનું છે. બેત્રણ વરસમાં હું પણ મરી જઇશ.

એ વાત સાંભળીને આપણને આશ્ચર્ય થાય છે ને જરા હસવું પણ આવે છે. થાય છે કે એકાંતમાં રહેનારા આ મહાત્મા પુરુષને મૃત્યુનો આવો ભય ક્યાંથી થયો ? રામદાસજી ઊંડા જ્ઞાની કે અભ્યાસી નથી. તેમની પાસે સાધનાની કોઇ સ્પષ્ટ માહિતી મેળવવા જનારને બદલામાં નિરાશા જ મળશે. પરંતુ તેમનામાં એક વસ્તુ ઘણી મોટી છે. તે કોઇનું પણ ધ્યાન ખેંચ્યા વિના ને કોઇપણ સમજુ માણસના દિલમાં પ્રેમ ને સન્માનની લાગણી જગાવ્યા વિના રહી શકતી નથી. તે તેમની વૃત્તિ છે. બદરીનાથમાં સાધુઓ ઘણાં રહે છે ને ઘણાં આવે છે. તેમની દશા ખાસ વખાણવા જેવી નથી હોતી. તેમાંના વધારે ભાગના સાધુ ભિક્ષા માટે દોડાદોડ કરે છે, યાત્રીઓ પાસે જુદા જુદા પદાર્થોની માગણી કરે છે, ને ચંચળ બનીને ફર્યા કરે છે : પણ રામદાસજીની વાત જુદી જ છે. તે તો એક જ જગ્યાએ બેસી રહે છે. વરસાદમાં પણ ત્યાંથી હઠતા નથી, ભિક્ષા માટે કોઇની પાસે યાચના કરતા કે ક્યાંય જતા નથી. ઇશ્વરેચ્છાથી જે સહજ રીતે મળી આવે તેના પર જ પોતાનું જીવન ચલાવે છે. એમની એ શાંત, સ્થિર, નિસ્પૃહ વૃત્તિ કાંઇ ઓછી આકર્ષક ને પ્રશસ્ય નથી. તેવી વૃત્તિ પણ એક જાતની સાધનાના મહાન ફળરૂપ છે. તે જોઇને આપણા અંતરમાં તેમને માટે અપાર આદર ઉપજે છે. ફક્ત તે શાંત ને નિસ્પૃહ ઇશ્વરપરાયણ વૃત્તિનો મંત્ર મેળવીને આપણે તેમની પાસેથી પાછા ફરીએ તો આપણો ફેરો ફોગટ નથી થયો પણ સફળ થયો છે એમ નક્કી સમજી લેવું. શાંતિ વૃત્તિનો મહત્વનો સંદેશ આપનારા એ મહાત્મા પુરુષને આપણાં વારંવાર નમસ્કાર. ખૂબ ખૂબ પ્રેમપૂર્વક નમસ્કાર !

ઇશ્વરેચ્છા પ્રમાણે બદરીનાથમાં સત્તર દિવસ રહીને ઋષિકેશ આવવાની તૈયારી કરી. જે દિવસે અમે બદરીનાથ છોડ્યું તે દિવસે બદરીનાથના મંદિરમાં સંતસાધુની મંડળી ભેગી મળેલી. કોઇ દિવસ નહિ ને ત્યારે મંડળીને એ રીતે ભેગી મળેલી જોઇને અમને નવાઇ લાગી. તપાસ કરતાં વધારે માહિતી મળી કે પાર્લામેન્ટના કોઇ હરિજન સભ્ય બદરીનાથ આવેલા. તે મંદિરમાં પ્રવેશ ના કરે તે માટે સાધુસમાજમાં ચર્ચા ચાલી રહેલી. ધર્મના સંરક્ષક જેવા સાધુઓ ધર્મની રક્ષા કરવા ઉત્સુક હતા. પાછળથી જાણવા મળ્યું કે સાધુઓના વલણને માન આપીને તે હરિજન સભ્યે મંદિરમાં આવેલા ગરુડજીના સ્થાન પાસેથી દર્શન કરી લેવાનું યોગ્ય માન્યું. લોકોમાં એ વાત ત્યારે ઉગ્ર ચર્ચાનો વિષય બની. એવા સાધારણ ક્ષુબ્ધ થયેલા વાતાવરણમાં ઇશ્વરની પ્રેરણા પ્રમાણે આનંદ માની અમે બદરીનાથના પરમ પવિત્ર પ્રસિદ્ધ ધામની વિદાય લીધી. એ વરસની એ અમારી મોટી યાદગાર યાત્રા હતી. અમારા હવે પછીના વસવાટને માટે ઋષિકેશની ભૂમિને નક્કી કરવામાં આવેલી. દેવપ્રયાગમાં લગભગ છ દિવસ રહીને છેવટે અમે ઋષિકેશ પહોંચ્યા.