if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મહેસાણામાં પ્રેમી ભાઇ નારાયણભાઇને ત્યાં લગભગ ૩૬ દિવસનો સુખમય વસવાટ પૂરો થયો. એ અરસામાં માતાજી પણ સરોડાનું કામકાજ પતાવીને ત્યાં આવી પહોંચ્યા. મહુવા જવાનો કાર્યક્રમ નક્કી હતો. તે માટે ઇશ્વરી પ્રેરણા પણ થઇ ચૂકેલી. તે કાર્યક્રમના અનુસંધાનમાં મહુવા જતાં વચ્ચે સિહોર ઉતરીને શ્રી હનુમાનદાસજીના દર્શન કરવાનો પણ નિર્ણય કરી લીધો.

મહાત્મા શ્રી હનુમાનદાસજી લગભગ વીસેક વરસથી સિહોરમાં ગૌતમકુંડ પર નિવાસ કરતા. તેમને વિશે ભાવનગરથી પ્રસિદ્ધ થતાં 'દર્શન' માસિકમાં બે લેખ લખવામાં આવેલા. એક લેખમાં કહેવામાં આવેલું કે લોકો શ્રી રમણ મહર્ષિનું દર્શન કરવા દૂર દૂરથી તિરુવણ્ણામલૈમાં એકઠા થતાં પરંતુ રમણ મહર્ષિ તો ભાવનગરની તદ્દન પાસે સિહોરમાં જ વિરાજે છે. બીજા લેખમાં માતા આનંદમયી અને હરિબાબા બંને શ્રી હનુમાનદાસજીના દર્શને ગયેલાં તે વિશેનો અહેવાલ હતો. આનંદમયી માતાએ હનુમાનદાસજીને એક બે પ્રશ્નો પૂછેલા. હરિબાબાની સાથે એક બંગાળી ગૃહસ્થ હતા. તે શ્રી હનુમાનદાસજીને જોઇને આનંદમાં આવીને બોલી ઉઠ્યા કે આખા ભારતવર્ષમાં ફર્યો પણ આવા સમર્થ સંતપુરુષ બીજે ક્યાંય જોયા નહિ. હરિબાબાએ પણ હનુમાનદાસજીની પાસે કીર્તન કર્યું ને ભાવનગર આવીને આવીને પોતાના ભક્તો ને પ્રસંશકોને કહ્યું કે હનુમાનદાસજી બહુ મોટા ને જૂના જમાનાના જોગી છે. આવા મહાત્માઓ દેશમાં ભાગ્યે જ જોવા મળે છે. તે પૂર્ણ સિદ્ધપુરુષ છે ને ત્રિકાળદર્શી છે.

એ બધી રસિક વાતોને વાંચીને મને પણ શ્રી હનુમાનદાસજીની મુલાકાત લેવાનો વિચાર થયો. ખાસ કરીને તો હનુમાનદાસજી ત્રિકાળજ્ઞ છે એ જાણીને મને તેમને મળવાની વધારે પ્રબળ ઇચ્છા થઇ આવી, કેટલાય વખતથી કોઇ ત્રિકાળદર્શી સિદ્ધ મહાપુરુષને મળવાની ઇચ્છા મારા દિલમાં અંકુરિત થઇ ચૂકેલી. તેવા મહાપુરુષની મુલાકાતથી મારી સાધના ને જીવનસિદ્ધિની કલ્પનાછબીને વધારે સુરેખ, સુંદર, સ્પષ્ટ ને મજબૂત કરવાની મારી ભાવના હતી. મને થયું કે હનુમાનદાસજીના દર્શનનો અચાનક અનેરો અવસર આપીને ઇશ્વરે મારા પ્રયાસને યશસ્વી કરવાની કૃપા કરવા માંડી કે શું ? જો ખરેખર તેમ હોય તો તો મારી ઘણી ઘણી ચિંતા ઓછી થઇ ગઇ, ઉપવાસના દિવસોની લાંબી અને આકરી યાતના સફળ થઇ ને ધ્યેયસિદ્ધિની મહત્વની આશાકડી મળી ગઇ. ખરેખર, ઇશ્વરના સાચા કૃપાપાત્ર ત્રિકાળજ્ઞ સંતોના દર્શનનો યોગ ઇશ્વરની કૃપા હોય તો જ ને ત્યારે જ મળી શકે છે. મારા પર પણ એ કૃપાના કિરણો વરસવા માંડ્યા કે શું ? એ વિચારથી ઉભરાતાં અંતરે એક પ્રભાતે મેં સિહોર સ્ટેશને પગ મૂક્યો. માતાજી પણ સાથે જ હતા. તે દિવસ ૧ જાન્યુઆરીનો હતો.

સિહોરનો પ્રદેશ નાના નાના ડુંગરોને લીધે ઘણો રમણીય લાગે છે. સ્ટેશન પાસેની એક ધર્મશાળામાં ઉતરીને અમે ગામમાં જવા વિદાય થયા. ગામ સ્ટેશનથી જરા દૂર છે. ગૌતમકુંડ તેથી વળી માઇલેક દૂર છે. વ્રતની નબળાઇને લીધે ચાલવાની મુશ્કેલી હોવા છતાં એક મહાન સંતપુરુષને મળવાના ઉત્સાહ પાસે બહારની મુશ્કેલી કોઇ વિસાતમાં ન હતી.

ગૌતમકુંડની જગ્યા ઘણી સુંદર છે. નાની સરખી ગુફા, અંદર નાનું સરખું મંદિર ને નાનુંસરખું છતાં સ્વચ્છ મકાન. બહાર નાનીસરખી નદી છે. અંદરના ઓરડામાં પ્રવેશ કરતાં જ મહાત્મા શ્રી હનુમાનદાસજીના દર્શનનો લાભ મળ્યો. એક પાટ પર સાધારણ ગોદડી પાથરીને તે બેઠેલા. ઓરડામાં એક બાજુ થોડાક વાસણો પડેલાં. બીજી બાજુ દોરી પર થોડાંક વસ્ત્રો લટકતાં. અંદરના ઓરડામાં મંદિર હતું. ત્યાં દર્શન કરીને અમે હનુમાનદાસજી પાસે બેઠા. તેમની ઉંમર ઘણી મોટી દેખાતી. વાળ ધોળા થઇ ગયેલા. શરીરે કરચલી પડી ગયેલી. આંખે ચશ્મા ચઢાવેલા. ટાટનો ઝભ્ભો પહેરીને તે બેઠેલા ને કાંસકીથી વાળ સાફ કરી રહેલા. એમને વંદન કરીને અમે એમની પાસે જમીન પર બેસી ગયાં.

થોડીક ઉપલક વાતો કર્યા પછી તેમની વિશેષ શક્તિનો લાભ લેવાની ઇચ્છાથી મેં તેમને જિજ્ઞાસાવૃત્તિથી પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. ઓરડામાં એક બાજુ ઘડિયાળ પોતાનું કામ કરી રહેલું. તેની ઉપેક્ષા કર્યે ચાલે તેમ ન હતું. મને થયું કે આવો મહાન અવસર સાંપડ્યો છે ત્યારે તેનો લેવાય તેટલો લાભ લઇ લેવો એ જ ઉત્તમ છે. નદીકિનારે બે હાથ જોડીને બેસી રહેવું ને પાણી મળવા છતાં પ્યાસા રહેવું સારું ના કહેવાય. તે વખતે હનુમાનદાસજી પાસે બીજું કોઇ હતું પણ નહિ, એટલે કોઇ પણ પ્રકારની વાતચીત કરવાની અનુકૂળતા હતી.

 
કેટલાક માણસો સંતપુરુષોના દર્શને જાય છે પણ કોઇ ખાસ હેતુ વિના. કેટલાક કેવળ દર્શન માટે જાય છે, કેટલાક કોઇ શંકાનું સમાધાન કરવા, તો કોઇ પ્રશ્નાદિ પૂછવા. માણસ કોઇપણ હેતુથી પ્રેરાઇને સંતપુરુષના દર્શન માટે જાય પરંતુ તે હેતુની પૂર્તિ તરફ તેનું ધ્યાન રહેવું જોઇએ ને તેની પૂર્તિ વહેલામાં વહેલી તકે કરી લઇને સંતની પાસેથી વિદાય લેવા તેણે સદાયે તૈયાર રહેવું જોઇએ. સંતપુરુષનો સમય ઘણો કીમતી છે એમ સમજીને કોઇયે પ્રકારના જરૂરી હેતુ વિના જરૂરથી વધારે વખત તેમની પાસે બેસી રહેવાની વૃત્તિનો ત્યાગ કરવો જોઇએ. પણ ખેદની વાત છે કે વધારે ભાગના માણસો એ વાતને વારંવાર વિસરી જાય છે ને સંતોની પાસે કલાકો લગી નકામી ગિરદી કરીને બેસી રહે છે. કેટલાક માણસો તો સંતસમાગમના મહિમાને ભૂલી જઇને સંતની પાસે જઇને વિના પૂછ્યે પોતાની વ્યાવહારિક વાતો કરવા મંડી જાય છે અને અંદર અંદર વાતોની શરૂઆત કરે છે. ત્યારે વાતાવરણ ઘણું બેહૂદું લાગે છે. સંતદર્શનની વૈજ્ઞાનિક રીત શીખવાથી પોતાનો ને સંતપુરુષનો ઘણો ઘણો કીમતી સમય બચાવી શકાશે એમાં સંદેહ નહિ. સમયના મહત્વ ને સદુપયોગનો ખ્યાલ મારા મનમાં કાયમ રમ્યા કરતો હોવાથી ધારેલા વિષય પર વાર્તાલાપ કરવાનું મે વિના વિલંબ શરૂ કર્યું.

પહેલો પ્રશ્ન મેં મારી સાધના સંબંધી જ પૂછ્યો. મેં કહ્યું : 'મને જગદંબાના કાયમના સાક્ષાત દર્શનની ઇચ્છા છે. જગદંબાનું દર્શન તો અનેક વાર થયું છે પણ ઇચ્છાનુસાર નથી થયું. તેથી અસંતોષ અને ઉકળાટ ચાલુ રહે છે. તો મને જગદંબાનું ઇચ્છાનુસાર સાક્ષાત દર્શન ક્યારે થશે ? તમે તો ત્રિકાળજ્ઞ સિદ્ધ પુરુષ છો તો આ વાતનો ખુલાસો કરો.'

તેમણે ધીમેથી ઉત્તર આપ્યો કે, 'પ્રેમ હોય તો દર્શન થાય. દર્શન માટે ઘણી લગની ને બેચેની જોઇએ. તે હોય તો દર્શન જરૂર થઇ શકે છે.'

'પણ મને તેવું દર્શન ક્યારે થશે ?' મેં ફરી પૂછ્યું.

તેમણે કહ્યું : 'તેનો કોઇ નક્કી વખત નથી. તે ચાહે તો પળમાં પણ કરાવી દે, ને ના ચાહે તો વરસો ને યુગો પણ એમ ને એમ વહી જાય.'

મેં કહ્યું : 'એ તો હું જાણું છું. એ તો સિદ્ધાંતની વાત થઇ. પરંતુ હું તો તમારી વિશેષ શક્તિનો લાભ ઉઠાવવા માંગુ છું. તમે ત્રિકાળદર્શી છો એમ જાણીને આ વાત પૂછી રહ્યો છું. માટે મને નિશ્ચયાત્મક રીતે વરસ, માસ ને દિવસ બતાવીને કહો કે મારા પર જગદંબાની પૂરેપૂરી કૃપા ક્યારે થશે ?'

હનુમાનદાસજી જરા વિચારમાં પડી ગયા. પછી બોલ્યા કે, 'હજી વાર લાગશે.'

પણ એવા ઉપલક ઉત્તરથી મને ક્યાં સંતોષ વળે તેમ હતું ? એટલે મેં પૂછવાનું ચાલુ રાખ્યું કે કેટલી વાર લાગશે, ને જગદંબાની કૃપા ક્યારે થશે, વરસે, છ મહિને, બે વરસે ?

તેના ઉત્તરમાં પહેલાં તો તેમણે કહ્યું કે ખૂબ વાર લાગશે, પણ પછી કહ્યું કે એક વરસ પછી થશે.

પણ મને તેમનો ઉત્તર ખાસ સંતોષકારક લાગ્યો નહિ. એક ત્રિકાળદર્શી સિદ્ધ મહાપુરુષ જે દૃઢતા ને ચોક્કસતાથી આવા પ્રશ્નોનો ખુલાસો કરે તેવી દૃઢતા અને ચોક્કસતા મને તેમના શબ્દોમાં લાગી નહિ. મને થયું કે તે કદાચ ત્રિકાળદર્શી મહાત્મા નથી. નાક પર હાથ રાખીને તે વારંવાર બોલતા. તેથી મને વિચાર થયો કે તે સ્વરોદય શાસ્ત્રના અભ્યાસી તો નહિ હોય ? તેમના પ્રથમ ઉત્તરથી મને સંતોષ ના થયો છતાં આટલે દૂર આવવાનું થયું છે તો બીજા કોઇ પ્રશ્નની ચર્ચાવિચારણા પણ કરી લઉં એમ વિચારીને મેં ફરી તેમનો સત્સંગ કરવાનું ચાલુ રાખ્યું.

બીજો પ્રશ્ન જરાક જુદો હતો. મારી સાધનાનો ઇતિહાસ જાણનારને નંદપાંચમનો ખ્યાલ હશે જ. નંદપાંચમ શબ્દ કોઇ પ્રચલિત શબ્દ નથી ને મોટા મોટા વિદ્વાનોને પણ તે વિશે બરાબર માહિતી નથી. તે કોઇ પ્રાચીન લુપ્ત શબ્દ હોય એવું લાગે છે. હનુમાનદાસજી ત્રિકાળજ્ઞ છે એમ માનીને તેમની પાસે મેં તે વિશે માહિતી માગી તો તેમણે કહ્યું કે નાગપાંચમને નંદપાંચમ કહેતા હશે. મેં ખુલાસો કર્યો કે નાગપાંચમ તો શ્રાવણ મહિનામાં આવે છે. તેને કોઇ નંદપાંચમ કહેતું હોય એવું ખાસ ખ્યાલમાં નથી. ત્યારે તેમણે વધારે સ્પષ્ટીકરણ કરતાં કહ્યું કે તો પછી નંદપાંચમ નંદજીના નામ સાથે સંકળાયેલી હશે. નંદજીના નામ પરથી તે પ્રચલિત થઇ હશે.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.