if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મહુવાના દિવસો ખૂબ જ આનંદમાં પસાર થઈ ગયા. તે પછી એકાદ મહિનાનો સમય સરોડામાં પસાર થઇ ગયો. સરોડા જતી વખતે રસ્તામાં ભાત અને કાસીંદ્રા ગામની સીમમાં એક અજબ બનાવ બની ગયો. અમારી મોટર ઝડપથી પસાર થતી હતી, ત્યાં જ એક મોટો કાળો સાપ તેની આડે ઉતર્યો અને સડક પરથી પસાર થઇને થોડીવાર ઊભો રહી, માથું ડોલાવીને ચાલવા માંડ્યો. થોડીવારમાં તો તે અદૃશ્ય થઇ ગયો. ડ્રાઇવરે મોટર ઊભી રાખી, આડમાર્ગે લેવા થોડીવાર પાછી વાળી, પછી મૂળ માર્ગે લાવીને હાંકવા માંડી, પણ સાપનો પત્તો ના લાગ્યો.

સારા અને નરસા શુકનની પ્રથા શું સાચી છે ? સાચી છે કે નહિ તે વાતને બાજુ પર રહેવા દઇએ તો પણ તે પ્રથા સારી પેઠે પ્રચલિત છે એ વાતનો સ્વીકાર કર્યા વિના છુટકો નથી જ. સાપ જો આડો ઉતરે તો તે અપશુકનની નિશાની ગણાય છે અને તે દ્વારા કોઇ અનિષ્ટ બનાવ બનવાની શંકા સેવાય છે. ગમે તેમ, પણ અમારે માટે તે વાત સાચી ઠરી. સાપે જાણે કે આડે આવીને કોઇ અનિષ્ટની આગાહી કરી હોય તેમ સરોડાના શરૂઆતના નિવાસ દરમ્યાન જ બે અમંગલ કહેવાય તેવા બનાવો બની ગયા.

ચોથે દિવસે રાતે લગભગ બે વાગે હું ઘરમાં પ્રભુસ્મરણ કરતો હતો તે વખતે ઘરનું બારણું જોરથી ખખડવા માંડ્યું. મને જરા નવાઇ લાગી. ઊભા થઇને બારણાંની તડમાંથી જોયું તો એક માણસ હાથમાં લાકડી લઇને બારણા પાસે ઉભેલો. મેં કહ્યું : 'કોણ છે ?' એટલે એણે 'ઉઘાડ' કહીને ગાળો દેવા માંડી. પાછા ફરી બેટરી લઇને મેં બારણાંની તડમાંથી જોયું તો તે માણસ ત્યાં જ ઉભેલો. તેની બાજુમાં એક બીજો માણસ હતો. તેના હાથમાં કોઇ હથિયાર હતું. મેં તેને પૂછ્યું કે શું કામ છે ?

જવાબમાં તેણે વળી ઉઘાડી ગાળો દેવા માંડી.

મને થયું કે વાત જરા જુદી છે ને સહેજમાં પતે તેવી નથી. એટલે મેં તે માણસ સાથે જરા કડકાઇથી બોલવા માંડ્યું. હું એકલો હોત તો તો બારણું ઉઘાડી દેત. પણ ઘરમાં માતાજી, તારાબેન ને બાળકો પણ હતાં એટલે બારણું ઉઘાડવાનું સાહસ તે સંજોગોમાં સારું કહેવાય નહિ. બહાર અંધારી રાત હોવાથી બધે જ અંધારુ છવાયેલું અને અમારું બોલવાનું ચાલુ હતું. તે સાંભળી તારાબેન જાગી ઉઠી, પછી માતાજી ઉઠી ગયાં, ને 'ચોર ચોર'ની બૂમ પાડવા માંડ્યાં. છતાં પાંચેક મિનિટ સુધી બહારના માણસે ગાળાગાળ કર્યા જ કરી. છેવટે ગામનાં બીજા માણસો આવી પહોંચતાં તે નાસી ગયા. કુલ ત્રણ માણસો હતા એમ જણાયું.

સરોડાનો એ બનાવ અકલ્પ્ય અને અણધાર્યો હતો. એ બનાવ પછી જરા વધારે પ્રમાણમાં જાગ્રત રહેવાની આવશ્યકતા ઉભી થઇ. એ બાબતમાં ગામના પ્રેમી રણછોડ ઠક્કરે ઘણી મદદ કરી. ગામમાં તો એ બાબત તરેહ તરેહની વાતો થવા માંડી. પેલા માણસોનો આશય એકલી ચોરી કરવાનો નહિ પણ મારામારી કરવાનો હોય તેમ લાગ્યું. નહિ તો તે લાંબા વખત સુધી ગાળાગાળ ના કરત. કોઇક માણસો કહેવા માંડ્યાં કે 'મહાત્મા છે ત્યારે ચોર કેમ આવ્યા ? ચોરને એમણે અવાક્ કેમ ના કરી દીધા ?' ટીકાખોર લોકોને એક સારો વિષય મળી ગયો. નવરા લોકોને શબ્દોનું કાંતણ કરવાનું કામ મળ્યું. કોઇના દુઃખે દુઃખી થવાનું કે કોઇનું કષ્ટ જોઇને સહાનુભૂતિના બે શબ્દો કહેવાનું તો બાજુએ રહ્યું, ઉલટું તેમણે વધારે ટીકાખોર થવા માંડ્યું. તેમને શી સમજ કે ચોર તો હવે ભગવાનનાં મંદિરોમાં પણ આવે છે. જગન્નાથપુરીના પ્રસિદ્ધ મંદિરમાં ધોળે દહાડે પ્રવેશીને ચોરોએ પૂજારીનું ખૂન કરીને ચોરી કરેલી. રમણ મહર્ષિ અને તુલસીદાસ જેવા મહાન સંતોને પણ ચોરોએ છોડ્યા નથી. તો પછી હું તો હજી બાળક છું. અને કોઇ મહાન સંત હોય તો તેને ત્યાં ચોર આવે જ નહિ એવો કોઇ નિયમ થોડો છે ? પણ જેની વૃતિ બૂરી છે તે તો દરેક પ્રસંગમાંથી બૂરાઇને ઉપજાવી કાઢીને પણ બૂરાઇનું દર્શન કર્યા કરશે. તે વિના તેને ચેન નહિ જ પડે.

ઈશ્વરની દુનિયામાં બધું મંગલ જ છે. અમંગલ દેખાતા પ્રસંગોમાં પણ મંગલમયતાનું અખંડ અસ્તિત્વ રહેલું જ હોય છે. પણ અવિવેકી માણસને બધે મંગલનું દર્શન નથી થતું. તેથી તે મંગલ અને અમંગલના ભેદો પાડીને અમંગલથી ડરે છે. મૃત્યુને પણ માણસે અમંગલ માની લીધું છે. તે દૃષ્ટિએ, સરોડામાં એક બીજો અમંગલ માનવો હોય તો મનાય તેવો પ્રસંગ બન્યો તેમ કહી શકાય. તારાબેનની નાની પુત્રી પ્રેરણાનું થોડીક માંદગીને અંતે અચાનક મૃત્યુ થયું. અમારી હાજરીથી બેનને રાહત રહી. જન્મ અને મૃત્યુ શરીરની સાથે સંકળાયેલા છે. કોઇ ભક્ત કે યોગી ઇશ્વરની કૃપાથી તેથી મુક્તિ મેળવે તો ભલે, બાકી સાધારણ માણસના લલાટમાં તો તેમના લેખ અચૂક રીતે લખાયેલા છે. માટે એનો હર્ષશોક અસ્થાને છે.

સરોડા પછી સાબરમતીનો વારો આવ્યો. સાબરમતીમાં શ્રી સુરેન્દ્રભાઇ અને નલિનીબેનને ત્યાં લગભગ સવા માસ રહીને છેવટે અમે ઋષિકેશ આવ્યાં. ઋષિકેશમાં ઉનાળામાં તાપ ઘણો સખત પડે છે એ વાતની ખબર હોવા છતાં ઇશ્વરની પ્રેરણા પ્રમાણે અમારે ચાલ્યા વિના છૂટકો જ ન હતો.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.