ભારત દેશ સંતરૂપી રત્નોની ખાણ જેવો છે. ઇશ્વરની કૃપા પામેલા અને ઇશ્વરતુલ્ય મહાપુરુષો કે સંતો આ દેશમાં જેટલા પ્રમાણમાં થયા છે તેટલા પ્રમાણમાં બીજે ક્યાંય નથી થયા. એવા મહાન, લોકોત્તર સંતપુરુષોમાં વીરપુરના જલારામ ભગવાનનું નામ અત્યંત અગત્યનું છે.
સંસારમાં એવા લોકકલ્યાણમાં માનનારા કેટલાક સંતો છે જે સુક્ષ્મ રૂપે રહીને પણ લોકોને દર્શન આપે છે અને મદદ કરે છે. ઇ.સ. ૧૯૫૬માં મેં વીરપુરની મુલાકાત લીધી અને જલારામ ભગવાન વિશે માહિતી મેળવી, ત્યારથી લાગ્યું કે જલારામ પણ એવા જ એક લોકોત્તર સંત છે. અને એમના માટેનો મારો પ્રેમભાવ વધી પડ્યો.
એ પ્રેમભાવ અથવા તો આકર્ષણના પડઘા રૂપે કહો કે બીજા ગમે તે કારણે કહો, પરંતુ તારીખ ૧૦-૮-૧૯૫૭ને શનિવારે રાત્રે ૧૧-૩૦ વાગ્યે મને એમનું દર્શન થયું. તે વખતે હું ઋષિકેશમાં હતો. તેમનું સ્વરૂપ એકદમ ગૌર, સૌમ્ય, અને અત્યંત તેજોમય હતું. દર્શન આપીને એમણે મારી સાથે કેટલીક અંગત વાતો પણ કરી, જે ગુપ્ત રાખવા યોગ્ય હોવાથી અહીં પ્રકટ કરી શકું તેમ નથી.
ભગવાન શ્રી જલારામની કૃપા મેળવવા માંગનારા પ્રેમી ભક્તો આજે પણ એમની કૃપા મેળવી શકે છે એ વાતની ખાતરી આપવા માટે આ પ્રસંગ લખી રહ્યો છું.
ઋષિકેશના નિવાસ દરમ્યાન દિવસો શાંતિપૂર્વક પસાર થતા ગયા અને છેવટે નવરાત્રી વ્રતનો વખત પણ આવી પહોંચ્યો. નવરાત્રીનું વ્રત જીવનભર કર્યા જ કરવું એવો સંકલ્પ મેં કદી સેવ્યો નથી. એવા સંકલ્પમાં મને ખાસ રસ પણ નથી. વ્રતને ખાતર વ્રત કરવાની વાત સાચું કહું તો મને ભાગ્યે જ પસંદ પડે છે. તેવી વાત કોઇ બીજાને પસંદ પડતી હોય તો તે સામે મારો વિરોધ નથી...તેમાં મને લેશ પણ હરકત નથી...પણ મારે માટે તે વાતનો સ્વીકાર મેં નથી કર્યો. મારી સમજણ પ્રમાણે વ્રત એક સાધન છે અને તેનો ઉપયોગ આત્મિક ઉન્નતિ માટે અથવા પરમાત્માની કૃપાની પ્રાપ્તિ માટે કરવાનો છે.
મારા જીવનમાં મેં વ્રતને એટલા માટે જ સ્થાન આપ્યું છે. 'મા'ની કૃપા અને ઉત્તરોત્તર વધારે કૃપા મેળવવાની કામનાથી પ્રેરાઇને જ મેં મારા સાધનામય જીવનમાં વ્રત કે ઉપવાસનો આશ્રય લીધો છે અને તેથી મને લાભ થયો છે. વળી 'મા'ની પ્રેરણાથી પ્રેરાઇને જ મેં વ્રત કે ઉપવાસનો આધાર લીધો છે, એ વાત પણ અત્યાર સુધીની મારી જીવનકથા વાંચનારને માટે દીવા જેવી ચોક્ખી છે. એટલે સહેજે સમજી શકાય તેમ છે કે 'મા'ની સંપૂર્ણ કૃપાનું ધ્યેય સિદ્ધ થતાં અથવા 'મા'ની પ્રેરણા મળતાં વ્રત કરવાની જરૂર જરા પણ નહિ રહે. એનો અર્થ એવો નથી કે ઇશ્વરની કૃપા મેળવવાના મનોરથવાળા દરેક સાધકને માટે વ્રત અથવા ઉપવાસની આવશ્યકતા છે. કોઇને તેની જરૂર હોય અને કોઇને ના પણ હોય. તેનો નિર્ણય પ્રત્યેક સાધકે પોતાની મેળે કરી લેવાનો છે. મારા જીવનમાં તેની જરૂર જણાવાથી જગદંબાએ મને તે માટે પ્રેરણા આપ્યા કરી છે અને તેને વફાદાર રહીને મેં અવારનવાર ઉપવાસ કર્યા છે. આ વખતે પણ તેવી પ્રેરણા મળવાથી મેં નવરાત્રીના ઉપવાસ કેવળ પાણી પર શરૂ કર્યાં.
આજ સુધીના જીવનમાં મેં અનેક ઉપવાસો કરી લીધા હતા. છેલ્લા આઠેક વરસની મારી સાધના વધારે ભાગે લાંબા ને કઠોર ઉપવાસ પર જ નિર્ભર હતી. ગયે વરસે તો ઉપવાસે હદ જ કરી દીધેલી. ત્રણ મહિનાથી વધારે વખત માટે મેં ઉપવાસની વેદના હિંમત, આશા ને ઉત્સાહ સાથે સહન કરેલી. છતાંય હજુ ધાર્યું કામ સિદ્ધ થયું ન હતું. પરંતુ તેથી હતોત્સાહ થઇને બેસી રહ્યે પાલવે તેમ ન હતું. ઇચ્છાનુસાર સાધનાની સિદ્ધિ ના મળે ત્યાં સુધી હિંમત હાર્યા વિના ને શ્રદ્ધા ખોયા વિના આગળ ને આગળ પુરુષાર્થ કરવાની આવશ્યકતા હતી. તેથી મેં 'મા'ની ઇચ્છા પ્રમાણે ઉપવાસ કરીને મારી સાધના ચાલુ જ રાખી.

