Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઋષિકેશથી મહેસાણા આવ્યાં.

મહેસાણાનો નિવાસ એકંદરે ખૂબ આનંદપ્રદ રહ્યો. નારાયણભાઇ ને સરસ્વતીબેનનો પ્રેમ ને વિશ્વાસ ખૂબ ગાઢ હોવાથી ત્યાં ઘર જેવું જ વાતાવરણ લાગતું હતું. એક મહિના અને એકવીસ દિવસના સુંદર નિવાસ પછી અમે રાજકોટ ગયા. મારી સાથે તારાબેન ને તેનો નાનો બાબો નરેન્દ્ર બંને હતાં.

રાજકોટમાં કેટલાય વખતે મારે ચંપકભાઇને ત્યાં જવાનું થયું. તેમણે ભક્તિનગરમાં એક મકાન બંધાવ્યું હતું. તે મકાનમાં હું ઉતરું તે પછી જ તેમણે તેમાં રહેવાનું શરૂ કરવું, એવો તેમનો વિચાર હતો. તેમના પ્રેમને લીધે હું ત્યાં ચોવીસેક દિવસ રહ્યો. હવે તે તદ્દન રોગમુક્ત થઇ ગયા હતા. તેમણે ખૂબ જ પ્રેમથી સેવા કરી. મને પણ તેમના સ્નેહાળ સહવાસમાં આનંદ રહ્યો.

રાજકોટમાં કેટલાય માણસો સત્સંગ માટે આવતા. એક નિવૃત સરકારી નોકર પણ એકવાર તેમની પત્ની સાથે આવી પહોંચ્યા. તે બેને મને પૂછ્યું કે પૂર્વજન્મ સાચો કે ખોટો ? મેં તેમને ઉત્તર આપ્યો કે પૂર્વજન્મની વાત સાચી છે. તેમણે કહ્યું, આ વાત કરવાનું કારણ એટલું જ છે કે મારે એક બારેક વરસનો છોકરો છે. તેની પાંચ વરસની ઉંમર થઇ ત્યારથી જ તે તેના પૂર્વજન્મની વાત કર્યા કરે છે. તે સૌથી પહેલાં કહેવા માંડ્યો કે તે પૂર્વજન્મમાં ગાંડો દરજી હતો ને વઢવાણમાં અમારી પાસે રહેતો. તે મને ધર્મની બેન માનતો. તેને સાધુસંતોનો સમાગમ બહુ ગમતો ને તે સૌની સેવા કરતો. સાધુઓને તે લાડુ ને ગાંઠિયા આપતો, તે ખૂબ જ સાદાઇથી રહેતો ને સૂકો ખોરાક ખાતો. તેને શાક પર પ્રીતિ હતી એટલે કોઇ કોઇ વાર હું તેને શાક આપવા જતી. પછી તો તેનું મરણ થયું અને અમારી નોકરી બદલાવાથી અમે અહીં રાજકોટમાં રહેવા આવ્યા. તે પછી તેનો જન્મ મારે ત્યાં થયો એમ તે કહે છે. નાનપણથી જ તેને એવી ટેવ છે કે બીજાં છોકરાની થાળીમાં પીરસેલું શાક લઇ લઇને પહેલાં ખાઇ જાય ... તેની થોડી મોટી ઉંમર થઇ એટલે તે પોતાના પહેલાંના ઘેર વઢવાણ જવાની વાત કરવા માંડ્યો. અમે તેની સાથે ગયા. ત્યાં જઇને તેણે પોતાની પહેલાંની સ્ત્રીને કહ્યું કે મરતાં પહેલાં બીજું બધું જ પતાવી દીધું છે પણ ઘરમાં અમુક સ્થળે દાટેલું ધન છે તે બતાવવાનું બાકી છે. પછી તેણે ઓરડામાં એક સ્થળ બતાવ્યું. તેને ખોદ્યું તો ત્યાંથી ખરેખર ધન નીકળ્યું. પછી અમે બધાં પાછા આવ્યાં. હવે તે છોકરાની ઉંમર મોટી થવાથી તેને શરમ આવતી હોય કે પછી ગમે તે કારણ હોય, પણ પોતાના પૂર્વજન્મની વાતો નથી કહેતો.

તે બેનની વાત મારે માટે નવી ન હતી, પરંતુ બીજા સાંભળનારને માટે તો નવી જ હતી. આવા સમયમાં પણ જન્માંતર જ્ઞાનવાળા આવાં બાળકો પેદા થાય છે તે જાણીને તેમને નવાઇ લાગી. જે પૂર્વજન્મમાં માનતા નથી તેમને માનવાને પ્રેરે તેવા આવા કેટલાય પ્રસંગો આ સંસારમાં બન્યા કરે છે. ગાંડા દરજીનો આ પ્રસંગ તેમાંનો જ એક પ્રબળ પ્રસંગ છે.