Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

છંદોના કપરાં બંધનમાં કેદ નહીં કરતો,
સ્વૈર વિહારતણું સુખ જોજે મારૂં ના હરતો.
જટિલ જંગમાં વળી ઉતારી જોમ નહીં હરતો,
કવિ કુળની છું માતા, મારી અકીર્તિ ના કરતો.

તનુ સ્ત્રીને ભારે આભૂષણ ખરે કુરૂપ કરે,
ધરે ગુલામી, સુખસાથે તે સહેજે કેમ ફરે;
ભારેખમ ભાષામાં તેમજ મારો પ્રાણ મરે,
કોમળ કાયા પર જોજે તું શબ્દપ્રહાર કરે!

ગુંગળાવ ના મને વિચારે મિથ્યા ભાવમહીં,
જોજે માને મને તમકડુ દાસી તેમ કહીં
આરાધન કરી લે મારી શુધ્ધ ભાવ ધારી,
સ્નેહ કરી લે ધરી સરલતા આડંબર મારી.

કલમ ઉપાડે ત્યારે કરજે વિચાર એવો તું,
કરોડને જીવન દેવાનું બલ એમાંજ રહ્યું
તેથી તેમાંથી પ્રકટે તે સહજ પ્રકટવા દે,
તારી ને બીજાની સેવાકાજ પ્રકટવા દે.

હજારો હશે એવાં ઞંખે શાંતિ સદાયે જે,
પ્રકાશ માગે ચહે પ્રેરણા પથભુલ્યાં કૈંયે
તેને માટે વહાવ મારી અમૃતમય ધારા,
ખારી ધરતીપર વરસે ના જોજે જલ ખારાં.

શાંતિ પ્રેમ ને પવિત્રતાના ભાવે સભર કરી,
સંપ તેમ સહકાર સ્વરોમાં મારો પ્રાણ ભરી,
સરળ બાલિકા જેવી મુજને રમવા દે જગમાં,
મંગલ સૂર સદા ભરવા દે જડ ને ચેતનમાં.

વિલાસશોખ તજી દે તેમજ સાધક થા મારો,
મારે માટે પાગલ થા તો મળે મુક્તિઆરો
હોય ન હિંમત એમાટે તો સ્પર્શ નહીં કરતો,
છંદોનો વ્યવસાય કરીને હીર નહીં હરતો

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit