અંતસમે ગંગાજમનાજલ તુલસીદલને ના ચાહું,
કોઇ કાને રામનામને ફૂંકે એવું ના ચાહું;
ગીતા કે કો શાશ્ત્રપાઠ વંચાવે કોઇ અંતસમે,
એ અભિલાષા છે ના મારી, વિનતી કરવી એ ન ગમે.
અંતકાલની ચિંતા છે ના, થવું હોય તે થાય ભલે,
મારી તો ઇચ્છા છે એક જ, દેહાભિમાન છેક જલે;
જીવન સારું પૂર્ણ તમારા પ્રેમમહીં આસક્ત બને,
પવિત્ર થાયે, સત્ય મેળવે, સિદ્ધ ને વળી મુક્ત બને.
તમારા સ્મરણ ને સેવાથી જીવન મારું ધન્ય બને,
પૂર્ણપણે પ્રાપ્ત કરું તમને આ જીવનમાં આજ તને;
ઘટઘટમાં મૂર્ત બને મૂર્તિ તમારી, પરમાનંદ ધરે,
દશા દેવને દુર્લભ છે એ, અંતર એની આશ કરે.
આંખ જુએ તમને જ ક્ષણક્ષણ, ઉત્સવ એનો રોજ કરે,
કાન તમારા સ્વર સાંભળતા અમૃતમાંહી સ્નાન કરે;
શરીર સ્પર્શે થાય સુવાસિત, વિચાર અંજલિરૂપ બને,
ક્રિયા તેમ ઉર્મિ અંતરની ફૂલ બને પૂજે તમને.
સાકારની બની લીલા કરિયે અહીં આપણે આ જગમાં,
મૃત્યુ ભય ને તાપ હઠાવી જીવી રહીએ આ જગમાં.
ઇચ્છા મારી નથી અયોધ્યા વૃંદાવનમાં દેહ પડે,
કાશી તેમ જ કૈલાસ વળી તીર્થસ્થાનમાં દેહ પડે;
કાળ તેમ સ્થળના મારે તો સમ્રાટ થવું આ તનથી,
મૃત્યુંજય બનવું ને જગતને સ્વર્ગસુખદ ગણવું મનથી.
તમારી જ પાસે છે મારું સ્થાન, નથી સંશય એમાં,
ખાતરી એની કરવી મારે, કરવું દર્શન છે તેમાં.
અંતસમે ના ભાન રહેશે, નાડી દેખાશે સઘળી,
સત્ય તમારા પ્રેમીને એ સતાવતી ચિંતા ન જરી;
તન ને મન અર્પીને તમને થઇ ગયો જે ભક્ત ખરે,
કૃપા મેળવી શક્યો તમારી તે કોઇથી કેમ ડરે ?
તમારે શરણ આવી મુજને કોઇયે ભય છે જ નહીં,
છાયા પામી દિવ્ય તમારી કોઇ ચિંતા છે જ નહીં;
'પાગલ' હું તો પ્રેમી મારી એક જ ઇચ્છા વ્યક્ત કરું,
અનંત કાલ લગી સેવા હું તમારી સાનંદ કરું.
દિલદિલરૂબા પર સ્વર છોડી આરાધું પ્રેમે તમને,
તમારો બનું, અભેદ સાધું સાથ તમારી પૂર્ણપણે.
આ દેશમાં જે ઋષિ વીતરાગી, થઇ ગયા પૂરણ ધન્યભાગી;
હરોળ તે સર્વતણી સુહાવું, પ્રેમી તમારો જગનો કહાવું !
- શ્રી યોગેશ્વરજી