સાગર હોય ભલેને ખારો.
થાય મધુર મધુથી જો એક જ
દ્રષ્ટિ કૃપાની ઢાળો ... સાગર
ગ્રીષ્મ પાનખરને ચાહો તો
વસંતમાં પલટાવો;
અંધારાને અજવાળી દો,
ડૂબેલાંને તારો .... સાગર
જન્મ અંધને લોચન આપો,
ભક્ત કરી દો ન્યારો;
નિરક્ષર કરો સાક્ષર કરતાં,
ચિત્તમહીં ચમકારો ... સાગર
નિરાશાને આશા આપી દો,
હાર્યાં તેમ હસાવો;
મૃતને સંજીવન દો, પ્રેમી
માટે હૈયું હારો ... સાગર
'પાગલ' પ્રાણ ભલેને ખારો,
તોય તમારો, તારો;
પોતાનો માન્યો છે તેને
જીવજોખમે પાળો ... સાગર
- શ્રી યોગેશ્વરજી

