ભ્રમણા તારી છોડ,
યોગી, ભ્રમણા તારી છોડ.
એકાંતમહીં વાસ કરીને સમાધિમાં મન જોડ,
નેતિ ધોતિ તેમ ખેચરી ત્રાટકના કર કોડ
કઠિન ક્લેશમય સાધન સઘળાં, મમતા તેની તોડ ... યોગી
ભસ્મવિલેપન જટા-ચર્મ ને દંડ-કમંડલ છોડ,
માયાવી મન પંચાગ્નિને બદલે પ્રભુમાં જોડ;
રૂપ અનેરું મધુમય મંગલ, મેળવવા બક હોડ ... યોગી
પ્રેમપંથનો પાંથ બની જા તજતાં પંથ કરોડ,
'પાગલ' પ્રેમી બન ઘટઘટમાં જગવી સ્નેહસરોદ;
અનુભવવાણી સુણ તો પ્રકટે નૂતન ભવ્ય પરોઢ ... યોગી
- શ્રી યોગેશ્વરજી

