મને પીંજર રાખોજી.
તમારે ચરણયુગલને પીંજર રાખોજી ... મને
પીંજર રહેવું, હરનિશ રહેવું, ચરણામૃતને લેવું,
તીર્થ સકળ જ્યાં મળી રહ્યાં ત્યાં સ્વર્ગમુક્તિ સહ રે'વું ... મને
પીંજર સોને ઘડ્યું તમારું, હીરામોતી મઢેલું,
બંદી તેમાં થાવું મારે, મુક્ત છતાંયે રે'વું ... મને
નયનનેહથી ન્હાવું મારે, હૃદયરસે રંગાવું;
આ અન્નેજ ઉછરવું મારે સદાકાજ બંધાવું ... મને
ચિત્તનું પંખી મારું જોઈ ચરણચારુ લલચાયું,
પીંજરમાં રાખો તો એને થાય સદા અજવાળું ... મને
તમને એનો હર્ષ થશે કે મુજને ના એ જાણું,
'પાગલ' પ્રેમી બંને મળતાં શાંતિ સનાતન માણું ... મને
- શ્રી યોગેશ્વરજી

