કરો મન એનું ગૌરવગાન.
યોગી ને મુની દેવો ધરતા,
જેનું નિશદિન ધ્યાન;
કિન્નર ને ગંધર્વ નિરંતર,
જેનું ગાતા ગાન ... કરો મન
જ્ઞાની ને યતિ જેના રસમાં,
નિત્ય બને ગુલતાન;
ભક્તો ભાવ કરીને ભજતાં,
જેને ભૂલી ભાન ... કરો મન
ગૌરવશાળી છે એ સૌથી,
છે સર્જનનો પ્રાણ;
એના સ્નેહે સ્નાન કરીને,
સફળ કરી દો વાણ ... કરો મન
સંગીત ભલે સુણે સદાયે,
એનું હરદમ કાન;
રક્તમહીં રણકાર કરો એ,
બલબુદ્ધિની ખાણ ... કરો મન
એના વિના પ્રાણપ્રિય મંગલ,
માનો ના કદિ આન;
વેદપુરાણ સંત ને શાસ્ત્રો,
ધરતાં કૈંક પ્રમાણ ... કરો મન
સૂર્ય ચંદ્ર નક્ષત્ર ગ્રહોને,
જે આપે છે પ્રાણ;
તેને માટે 'પાગલ' બનતાં,
છોને ભૂલો સાન ... કરો મન
- શ્રી યોગેશ્વરજી