Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હવે ના છૂટાં પડિયે કોઈ દી,
           હવે ના છૂટાં પડિયે.

કેટકેટલાં દિવસે ભેગાં મળી ગયાં,
          કાયમ ભેળાં રહીએ;
આંખથી આંખમાં આનંદ આંજિયે,
         પલક ના છૂટાં પડિયે ...ઓ પ્રીતમ, હવે ના

રેખા ભાગ્યની, લેખો લલાટના,
          દોષ શાને હવે દઈએ ?
આયખું આખું હવે તો બદલાયું,
          ચિંતા કરી શાને મરિયે ? ...ઓ પ્રીતમ, હવે ના

આઠે પહોર હવે આનંદ આંગણે,
          જીવનનાં દાન ભલે દઈએ;
હૈયાની હોળીને ટાઢી કરી દઈ,
          વહાલ પર વારી જઈએ ...ઓ પ્રીતમ, હવે ના

ચિંતા ને વેદનાને મારી દઈને,
          ગૌરવ ગીતડાં ગાઈએ;
મૃત્યુ જરા ને જન્મ વ્યાધિ છો જીવતા,
          ફાકી કરીને ફરિયે ...ઓ પ્રીતમ, હવે ના

આંખમાં આંખડી, સોડમાં સોડને,
          હૈયે હૈયું ધરી દઈએ;
પાગલશા એક બની શાંતિનો શ્વાસ લઈ,
          સ્વપ્ને છૂટાં ના પડિયે ...ઓ પ્રીતમ, હવે ના

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit