Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અમી આંખલડીથી અળગા ના રહિયે,
ઓ વ્હાલમા, ભેટ્યાં ફરી ન છુટાં થઈએ.

અમૃતના ઓઘ શા આંખોમાં ઓપતા,
એમાં હળવેથી ભળિયે;
આતમને અજવાળે એક બની જીવીએ,
ભેદભાવને પરહરિયે ...ઓ વ્હાલમા

અંગો નથી, આ તો અમૃતઆગાર છે,
સ્વર્ગના સોપાન ભલે કહિયે;
ઓતપ્રોત આજ બની, ચિંતાને ખાખ કરી,
સુખડાં સમાધિનાં લહિએ ... ઓ વ્હાલમા

પૂરી ના થાય કદી રંગભરી રાતડી,
સો સો વરસોની ઘડી ગણિયે;
આનંદ શાંતિના સાગરશા ઊછળે,
મુક્તિની મ્હેફિલ ધરિયે ... ઓ વ્હાલમા

અંગભાવથી ઉડીને પ્રાણતણી પાંખડીએ,
વ્હાલનાં વિહંગ થૈ વિચરિયે;
બ્રહ્મલોકને ઉતારી ઉરને જ આંગણે,
મીઠા મહોત્સવ કરિયે ...ઓ વ્હાલમા

કલ્પો લગી ન કદી અળગાં થઈએ,
રંગભીના રાસ ભલે રમિયે;
મૃત્યુને મારીને, ગરવને ગાળીને,
અર્ધનારીશ્વર ફરિયે ...ઓ વ્હાલમા

અમી આંખલડીથી અળગાં ના રહિયે,
ઓ વ્હાલમા, ભેટ્યાં ફરી ન છૂટાં થઈએ.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit