એક દિવસ હું તમે બની જઉં, તમે થાવ વિરહી,
પાઠ બદલિયે એમ આપણે, સાચી વાત કહી ... એક દિવસ
વિરહ વેદના કેવી કપરી, કોરી નાખે પ્રાણ,
તેના વિના નહીં સમજાયે, ના જ ઉતરશે ધ્યાન ... એક દિવસ
રડો તપો ને ભલે ટળવળો, તોય ન દોડી આવું;
દર્દ ભરેલાં ગાવ ગીતડાં, ઉત્તર એક ન ગાવું ... એક દિવસ
શૂળી પરની સેજ ગુલાબી, તજી પથારી આજ;
એક દિવસ માટે જ સુઇ લો, સવારથી તે સાંજ ... એક દિવસ
જાય ભલેને ધગધગતા, અંગારા દેહ દહી,
બેચેની છો થાય તમોને, દેખું દુર રહી ... એક દિવસ
પાત્રોની છો કરો આપ લે, અરજી ધરતાં ધ્યાન;
તે વિના ખરે કઠોર જેવો, પીગળશે ના પ્રાણ ... એક દિવસ
દંડ કમંડલ આપું મારા, કરો હિમાલય વાસ;
જ્યાં વિચરો ત્યાં અશાંતિ પામો, સુખની છોડો આશ ... એક દિવસ
આંખોની સામે હરદમ હું રમું ભલેને રાસ,
મનડું મથે મળવાને માટે તોય ન આવું પાસ ... એક દિવસ
જુઓ મજા શી પછી વિરહની સ્વાદ સ્નેહનો આ;
તે વિના તમે સમજી શકશો મિલનતણો રસ ના ... એક દિવસ
અન્ન ન ભાવે જલ ન ભાવે, તોય ન પાસે આવું;
દિલ ના લાગે ક્યાંય તમારું તોપણ દૂર ના જાવું ... એક દિવસ
પ્રેમીનો તલસે છે તમને મળવા કેવો પ્રાણ;
તે વિના નહીં સમજી શકશો, ઉઘડશે ના કાન ... એક દિવસ
સિંહાસન છોડીને આવો પ્રેમી પૂર્ણ થઇ,
પછી દૂર ના પળ પણ રે'શો; વેળા જાય વહી ... એક દિવસ
આજ સુધી કૈંયે પ્રેમીને, તાવ્યા તપવ્યા તેમ;
રડાવ્યા વળી ટળવળાવિયા, કો'ક ક્રૂરની જેમ ... એક દિવસ
કોમળ થશો દયાળુ વધારે પ્રેમ ભરેલાં તેમ,
ચાહે તેની પાસે પ્રકટી કરશો સત્વર રે'મ ... એક દિવસ
ભવિષ્યના ને વર્તમાનના ભક્તો ધન્ય થઇ,
મારા તેમ તમારા ગાશે ગુણને મુક્ત બની ... એક દિવસ
'પાગલ' કે' રોષે ન ભરાશો, વ્હાલની કહી વાણ;
વિરહી થશો તોપણ પળ મારો રે'શે દૂર ન પ્રાણ ... એક દિવસ
- શ્રી યોગેશ્વરજી

