આત્મદર્શી અથવા આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત પુરૂષોની અવસ્થા કેવી અનેરી હોય છે ! એ માનવમાત્રમાં જ નહિ પરંતુ પ્રાણીમાત્રમાં પરમપવિત્ર પરમાત્મપ્રકાશનું દર્શન કરે છે અને એને લીધે ભેદભાવ, ભય તથા રાગદ્વેષથી રહિત બનીને સૌ પ્રત્યે પ્રેમ રાખે છે. એમનો વ્યવહાર નિષ્કપટ, નિર્મળ ને મધુમય બને છે. એમના અંતરમાં સૌની સુખાકારી, શાંતિ અને સમુન્નતિની ભાવના રહે છે અને એ ભાવનાથી પ્રેરિત થઈને એમના નાનામોટા બધા જ જીવન વ્યવહાર થયા કરે છે. એમનું જીવન જાણે કે સર્વત્ર સર્વકાળે સુખશાંતિના પ્રસાર માટે ને બીજાને ઉપયોગી થવા માટે જ વપરાતું હોય છે.
મહર્ષિનો પ્રાણીઓ––અલબત્ત મનુષ્યેતર પ્રાણીઓ પ્રત્યેનો વ્યવહાર અત્યંત વિલક્ષણ હતો. કેટલાક સામાન્ય માનવો એમની તરફ ઊંડી તિરસ્કારવૃત્તિ તથા સૂગ રાખતા હોય છે. એ એમની સાથે અતિશય કઠોર કે નિર્દયતાપૂર્ણ વર્તાવ કરતાં પણ નથી અચકાતા. પરંતુ મહર્ષિ એવા નિર્દયતાપૂર્ણ તિરસ્કારયુક્ત કઠોર વ્યવહારની કલ્પના સ્વપ્ને પણ ના કરી શકતા. એમના સ્વભાવમાં એવી વસ્તુ હતી જ નહિ. એમના અંતરમાં જાણે કે પ્રેમ ને પ્રેમ જ ભરેલો. એ પ્રેમનો પવિત્ર પ્રવાહ જડચેતનાત્મક જગત પ્રત્યે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના વહેતો રહેતો. એમના સંસર્ગમાં આવનારાં પ્રણીઓના બાહ્ય ક્લેવરને નિહાળીને બેસી રહેવાને બદલે એમની આત્માનુભવયુક્ત જ્ઞાનમયી દૈવી દૃષ્ટિ એમની અંદરના ઊંડાણમાં રહેલા આત્મતત્વ સુધી પહોંચી જતી.
બહારના વિવિધ રૂપરંગોને ભેદીને એ એની પાછળની પરમ ચેતનાનો પરિચય કરતી. એ ઉપરાંત એ વિચારતા ને સમજતા કે પ્રાણી કે પક્ષીના રૂપમાં દેખાય છે એ આત્મા તો જાણે કેટલા બધા દીર્ઘ સમયથી વિશાળ સંસૃતિચક્રમાં ફર્યા કરે છે. એણે ન જાણે આવા કેટકેટલા વેશ ધારણ કર્યા છે. આજે પ્રગતિના પ્રકાશમય પાવન પથ પર એ આ ભૂમિકા પર સ્થિતિ કરે છે એટલું જ, બાકી મૂળભૂત રીતે તો એ યોનિરહિત, જાતિરહિત અને શુદ્ધ બુદ્ધ મુક્ત અથવા અલૌકિક છે.
એક બીજી હકીકત પણ ખાસ યાદ રાખવા જેવી છે. એમની તપઃપૂત ઉદાત્ત અંતદૃષ્ટિને લીધે જુદાં જુદાં પ્રાણીઓને જોતાંવેંત જ એમના જન્માંતરનું રહસ્યજ્ઞાન એમની આગળ કેટલીય વાર ખુલ્લું થઈ જતું. પૂર્વજન્મના એ રહસ્યજ્ઞાનની મદદથી એ પ્રાણીઓના ક્રમિક આત્મવિકાસને સહેલાઈથી સમજી શકતા, અને એટલા માટે જ એમના પ્રત્યે પ્રેમ તથા આદરભાવ રાખતા. એમની સાથેના એમનો વ્યવહાર એકદમ વિલક્ષણ બની રહેતો. એ વ્યવહારને સહાનુભૂતિપૂર્વક સુચારુરૂપે સમજવા માટે એના આવશ્યક ઉપોદઘાતરૂપ આ રહસ્યને સમજી લેવાની આવશ્યકતા છે. મહર્ષિનો જુદા જુદા જીવો પ્રત્યેનો વ્યવહાર એવી પરમજ્ઞાનમયી ઊર્ધ્વ ભૂમિકા પરથી થતો હોવાથી એમની વાણી પણ બીજા બધા કરતાં વિલક્ષણ લાગતી. આશ્રમમાં રહેતાં પ્રાણીઓને જોઈને એ મનુષ્યોને માટે કાઢતા હોય એવા જ ઉદગારો કાઢતા.
‘લક્ષ્મી આવી પહોંચી છે. એને જલદી ભાતનું ભોજન પૂરું પાડો.’ હૉલની બારીમાંથી લક્ષ્મીને જોતાં જ એ એવી રીતે બોલી ઊઠતા. એ સાંભળીને આશ્રમમાં આવેલા કોઈક નવાગંતુકને લાગતું કે લક્ષ્મી નામની કોઈક સંબંધી સ્નેહી છોકરી બહાર ફરવા કે રમવા ગઈ હશે એ હવે આવી પહોંચી હશે ને મહર્ષિ એને લક્ષ્ય કરીને આવી સૂચના આપી રહ્યા હશે; પરંતુ થોડા વખતમાં જ એ ભ્રાંતિ ભાંગી જતી ને સઘળું સ્પષ્ટ થતું. લક્ષ્મીના નામનો અનુરાગપૂર્વક ઉત્તર આપતી લક્ષ્મી નામની ગાય એમની આગળ ત્વરિત ગતિએ ભારે ગૌરવપૂર્વક ચાલતી આવી પહોંચતી ને પોતાના ભોજનની પ્રતીક્ષા કરતાં ઊભી રહેતી ત્યારે એને ને બીજા બધાને સમજાતું કે મહર્ષિ લક્ષ્મી ગાયનું કેટલું ધ્યાન રાખે છે !
મહર્ષિ પાછા બીજા પ્રકારના ભાવથી ભરાઈને બોલી ઊઠતા : ‘છોકરાઓને એમનું ભોજન મળ્યું કે નહિ ?’
એ શબ્દો સાંભળીને પણ આશ્રમમાં આવેલા નવા એકદમ અપરિચિત દર્શનાર્થીઓને લાગતું કે આશ્રમમાં રહેતા, રમતા કે બહાર ગયેલા છોકરાઓને માટે મહર્ષિ એવી મમત્વયુક્ત માહિતી મેળવી રહ્યા હશે, પરંતુ એ લાગણી તરત જ ખોટી નીકળતી. મહર્ષિ બોલી રહેતા કે તરત જ, એમના શબ્દોની રાહ જોઈને ઊભા હોય તેમ એમના એ સંવેદનશીલ સ્નેહસભર શબ્દોના ઉત્તરરૂપે બે–ત્રણ કૂતરાઓ આવી પહોંચતા ને એમને ભોજન કરાવવામાં આવતું.
‘એને પાણી પાવ.’ મહર્ષિ એમનામાંના એક તરફ અંગુલિનિર્દેશ કરીને કહેતા ને ભક્તો એમના આદેશનો અમલ કરીને એને પાણી પાતા.
નાની બિલાડી પણ એમની દૃષ્ટિની બહાર નહોતી. એને જોઈને એ બોલી ઊઠતા :
‘છોકરા ! અહીં આવ, તારું ભોજન આવે ત્યાં સુધી થોડીક વાર વિશ્રામ કરતાં રાહ જો.’
અને બહારથી ભોજનનો સમય થતાં આવી પહોંચેલી બિલાડી એમના આદેશનું આજ્ઞાકિંત બાળકની પેઠે પાલન કરતી.
દિવસો, મહિના ને વરસો સુધી એ પ્રાણીઓ પ્રત્યે એ મનુષ્યો પ્રત્યે કરતા હોય એવો જ વ્યવહાર કરતા અને એમને મનુષ્યોને સંબોધતા હોય એવી રીતે જ સંબોધતા રહેતા. એમને એ પ્રાણીઓ છે એવું જાણે કે લાગતું જ નહિ. એમના પ્રત્યેની એમની દૃષ્ટિ તથા વૃત્તિ એવી અદભુત અથવા વિલક્ષણ હતી. મહાત્મા પુરૂષોના જીવનમાં અલગ અલગ અનેક અસાધારણ અંગો જોવા મળે છે. એ એમના વિરાટ વ્યક્તિત્વનો પરિચય પૂરો પાડનારાં ને સાથે મળીને સમગ્ર રીતે એ વ્યક્તિત્વને ઘડવામાં ફાળો આપનારાં હોય છે. એ બધાં અંગોનું અધ્યયન કર્યા પછી તટસ્થ રીતે નિસ્સંકોચપણે જરૂર કહી શકાય કે મહર્ષિના જીવન અથવા વિશાળ વ્યક્તિત્વનું મનુષ્યેતર પ્રાણીઓ પ્રત્યેના ઉદાત્ત વ્યવહારનું આ અંગ એક અત્યંત અનોખું અંગ છે અને એ જાતનું વિશિષ્ટ અંગ એમના સિવાયના બીજા મહાપુરૂષો કે સંતોના જીવનમાં એટલી બધી સરસ રીતે સંપૂર્ણપણે ભાગ્યે જ દેખાય છે અથવા નથી દેખાતું.
* * * * * * * * * * * *
મહર્ષિએ અરૂણાચલ પર્વત પર રહેવાનો પ્રારંભ કર્યો ત્યારથી જ કૂતરાઓ એમના વિશ્વસનીય સાથી અને આશ્રમજીવનના ભાગ્યશાળી ભાગીદારો તરીકે રહેવા માંડેલા. એ એ મૂંગાં પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખતા.
આશ્રમમાં આવનારા નવાગંતુકોને ત્યાંનાં કૂતરાઓની ઓળખાણ આપતાં એ કોઈ કોઈવાર ભારે ભાવભરી ભાષામાં કહેતાં :
‘આ કમળાને જોઈને ? એ ઘણી જૂની છે. નીલા ને જેક એનાં સંતાનો છે. રોઝ અને બીજાં નાનાં બાળકોની એ માતામહ છે.’
કમળાના મૃત્યુ વખતે એમણે એની સંતતિને સંબોધીને કહ્યું :
‘તમે તમારી દાદીમા પાસે શા માટે નથી જતાં ? એ તમને સૌને છોડી જવાની તૈયારીમાં છે.’
અને કમળાના મૃત્યુ પછી એનાં સંતાનોને એક સાચા શુભચિંતક સ્નેહાળ સ્વજનની પેઠે પોતાના કોઈક માનવ શિષ્યને સાંત્વન આપતા હોય તેમ સાંત્વન આપતાં અને સહાનુભૂતિ બતાવતાં કહેવા લાગ્યા : ‘ રોઝ, તારી દાદી કમળા તને છોડી ગઈ.’

