‘સુખડને પાણીમાં મૂકવાથી અને ઘસવાથી એમાંથી ઉત્તમ પ્રકારની સુવાસ પેદા થાય છે અને બધી જાતની દુર્ગંધને દૂર કરે છે, એવી રીતે બહારની દુન્યવી ઈચ્છાનો અંત આવતાં અલૌકિક આત્મસાક્ષાત્કારની આકાંક્ષાઓનો આવિર્ભાવ થાય છે.’
- શ્રી આદ્ય શંકરાચાર્યના ‘વિવેકચૂડામણિ’ ગ્રંથમાંથી.
આજે મારી ધ્યાનાવસ્થા દરમિયાન, છેલ્લાં બે હજાર જેટલાં વરસો દરમિયાન થઈ ગયેલા ભારતના સૌથી મહાન તત્વજ્ઞાની આધ્યાત્મિક ઉપદેશક શ્રી આદ્ય શંકરાચાર્યના એ શબ્દોનું મને સ્મરણ થયું.
મારી ચેતનામાં થતું પરિવર્તન એટલું બધું ઝડપી, અદૃષ્ટ અને અકલ્પ્ય હતું કે એ ત્વરિત પરિવર્તનોની નોંધ લેવાનું કાર્ય મારા મનને માટે અશક્ય થઈ પડ્યું. એ પરિવર્તનોમાંનાં ઘણાં જ થોડાં અત્યંત અગત્યનાં પરિવર્તનોને એમના થયા પછી તરત જ મારાથી નોંધી શકાયાં. એ પરિવર્તનોમાંનું કદાચ સૌથી વધારે આગળ પડતું, તરી આવતું પરિવર્તન આ હતું : જો કે મારાથી દેખીતી રીતે જ આખાય દિવસ સુધી આત્મવિચારમાં મગ્ન નહોતું રહી શકાતું તો પણ મહર્ષિના શબ્દોને સાંભળતાંવેંત, મહર્ષિના લખાણમાંથી કશુંક વાંચતાંવેંત અથવા આધ્યાત્મિક સાધનાત્મક જીવન સાથે સંબંધ ધરાવતા કોઈક બીજા મહાપુરુષના લખાણને વાંચતાવેંત, હું કોઈ પણ પ્રકારના પ્રયત્ન વિના સહજ રીતે જ એમાં સરકી પડતો. આરંભમાં એવી અવસ્થા કોઈ કોઈ વાર આવતી તો પણ મને ખાતરી હતી કે થોડા જ વખતમાં હું એ અવસ્થાવિશેષમાં મારી ઈચ્છા પ્રમાણે પ્રવેશી શકીશ. માર્ગ એક વાર ઊઘડી જાય છે પછી એને ભુલાતો કે મુકાતો નથી. મહાન સંતપુરુષના સાન્નિધ્યમાં મન સહેલાઈથી શાંત બને છે અને એની આદતને અનુસરીને પાર વિનાના પ્રશ્નોને પેદા કરવાની હિંમત નથી કરતું. એની ઉપર પ્રભુત્વ પ્રસ્થાપિત કરનારા અને એના મૂળ ઉદભવસ્થાનને શોધનારા મહાપુરુષની ઉપસ્થિતિમાં એ મોહાંધ અહંકારયુક્ત મન એનું સામર્થ્ય અને આકર્ષણ ખોઈ બેસે છે. મહર્ષિએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે :
‘મન વિચારોનું બનેલું છે. વિચાર કરવાનું બંધ કરો અને એ પછી મને બતાવો કે મન ક્યાં છે ?’
સ્વાનુભવથી સિદ્ધ થાય છે કે જેને આપણે મન માનીએ છીએ એમાંથી બધા વિચારોને દૂર કરવાથી કાંઇ જ નથી રહેતું. પરંતુ કમનસીબે મોટા ભાગના માનવો માને છે તે પ્રમાણે ત્યાં જીવનની પરિસમાપ્તિ નથી થતી. એથી ઊલટું, એ અતિશય સૂક્ષ્મ રૂપમાં રહેવા છતાં પણ પોતાને વધારે શક્તિ સાથે અને પ્રખર રીતે પ્રકટ કરે છે. એ દિવસોનું સ્મરણ મને સારી રીતે થતું જ્યારે વિચાર કર્યા વિના માનવ જીવી શકે એવી કલ્પના પણ હું નહોતો કરી શકતો.
મહર્ષિ કહે છે : ‘મનને સુધારવાનો સૌથી મહત્વનો માર્ગ વિચાર કરવાના વ્યાપારને બંધ કરવાનો છે. વિચાર અને પુનર્વિચાર એ મગજની ઉત્તેજનાનું કારણ છે.’
વિચારો પર કાબૂ કરવામાં વ્યવહારુ મુશ્કેલી કઈ છે ? એક મુશ્કેલી એ છે કે જેમનો અભ્યાસ કાચો છે એવા માનવોને વિચાર કરવાના વ્યાપારમાં એટલો બધો આનંદ આવે છે કે એ વ્યાપારનો ત્યાગ કરવાનું કામ એમને કઠીન લાગે છે.
મહર્ષિએ સૂચવ્યા પ્રમાણે પોતાની જાતને હું કોણ છું એવો અવારનવાર આત્મસંશોધનશીલ પ્રશ્ન પૂછવાથી વિદ્રોહી મનને શાંત કરવામાં મદદ મળે છે. ‘વિચાર દ્વારા સત્યનો સાક્ષાત્કાર કરવામાં કદી કોઈને સફળતા નથી મળી અથવા મનની પ્રવૃતિ દ્વારા આત્મિક જગતના ચોક્કસ રહસ્યોદઘાટનમાં કોઈ સફળ નથી થઈ શક્યું.’ એ સ્વાનુભવ પૂર્ણ સુનિશ્ચિત સદુપદેશ વિચાર કરવાની પ્રવૃત્તિના રહ્યાસહ્યા રસનો નાશ કરી નાખે છે. અને એક વાર આપણો રસ મંદ પડે છે એટલે આપણે વિજયથી વધારે દૂર નથી રહેતા.
આપણા મનની ગુલામીમાંથી આપણે જેમ જેમ મુક્તિ મેળવીએ છીએ અને સ્વેચ્છાથી મનને શાંત કરતાં શીખીએ છીએ તેમ તેમ એ આપણું વધારે ને વધારે આજ્ઞાંકિત સેવક થતું જાય છે અને કર્તવ્યક્ષેત્રમાં પણ એની દ્વારા વધારે મોટી મદદ મળે છે. કેટલાક અનભિજ્ઞ માનવોને મનથી ઉપર ઊઠવાની કે મનને સંપૂર્ણપણે શાંત કરવાની વાતને સાંભળીને એવું લાગે છે કે એથી તો એક પ્રકારની જડતા કે નિશ્ચેતનતા પેદા થશે અને વ્યવહારિક જીવનના પ્રશ્નોના સામાન્ય ઉકેલોની શક્તિ નહિ રહે. પરંતુ યાદ રાખવાનું છે કે ‘મન સારા સેવક તરીકે-જો વશ થાય તો-વર્તે છે. પરંતુ વશ ના થાય તો કઠોર સ્વામી બની બેસે છે.’
મનની મર્યાદાઓને ઓળંગવાનું કાર્ય ઉચ્ચતર અતીન્દ્રિય અવસ્થામાં તે ચેતનાને લઈ જવાનું કાર્ય છે. એ કલ્યાણકાર્ય સૌ કોઈને માટે શક્ય નથી. એની પદ્ધતિ અને પ્રક્રિયા વિશે માહિતી મેળવામાં, વાંચવામાં કે સાંભળવામાં કોઈને રસ પડે તોપણ એને સુચારુરૂપે સમજવાનું અને અમલમાં મૂકવાનું અતિશય અઘરું છે. મને એવા અનેક બુદ્ધિમાન માનવો મળ્યા છે કે જે એવી શક્યતાને કલ્પી શકતા નહોતા અને એના સિદ્ધાંતને કે રહસ્યને સમજી શકતા નહોતા. જેવી રીતે સૂર્યનાં તાજા કિરણોના રહસ્યને ના સમજી શકાય તેમ. એમનું આખુંય જીવન ભૌતિક ભૂમિકા પર રચાયેલું કે કેન્દ્રિત થયેલું અને ભૌતિક સિવાયની બીજી કોઈ દૃષ્ટિથી એ જીવનને જોવા માટે ટેવાયેલા જ નહોતા. બીજા કોઈ અપાર્થિવ જીવનની શક્યતા જ એમને નહોતી દેખાતી. પ્રસ્તુત પુસ્તક અને એમાં વિચારવામાં આવેલાં આત્મિક રહસ્યોનું જ્ઞાન એવા માનવોને માટે નથી એ તો દેખીતું છે.
મારી સમીપમાં બેઠેલા એક વયોવૃદ્ધ બ્રાહ્મણ ભારતના પુરાતન મહામંત્ર ગાયત્રી મંત્રના જપ કરી રહેલા. એ એ મહામંત્રને રોજ જપતા તથા ધ્યાન કરતા. એમના એ મંત્રજપના પુણ્યપ્રવાહમાં ભળી જઈને મેં માનસિક રીતે એમની સાથે બોલવા માંડ્યું :
ૐ ભુર્ભુવઃ સ્વઃ ૐ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
જેમણે સૃષ્ટિનું સર્જન કર્યું છે તે પરમપુરુષ પરમાત્માનું અમે ધ્યાન ધરીએ છીએ. એ અમારી બુદ્ધિને પ્રેરણા આપો અને પ્રકાશવંતી બનાવો.
- © યોગેશ્વરજી ('રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં')