સાંઇનાથ, વંદન કરું આજ હું !
અંતરની આરતિ ઉતારું છું ;
સાંઇનાથ, વંદન કરું આજ હું !
આજ ગુરુવાર મનગમતો તમોને,
પૂજા કરી ધરી દીપ મેં તમોને,
લળી લળીને નિહાળું છું
સાંઇનાથ, વંદન કરું આજ હું !
પ્રેમભરી પ્રાણમહીં આજે પધાર્યો,
આતુરતા આંખમહીં આંજીને આવ્યો;
તમે બેસી રહ્યા છો શું ?
સાંઇનાથ, વંદન કરું આજ હું !
આસન છોડીને હવે સામે પ્રગટી લો,
સ્મિતને રેલીને મને ભાવે ભરી દો;
પોકારું પ્રેમથી હું,
સાંઇનાથ, વંદન કરું આજ હું !
બોલી મધુર બોલ આનંદ આપો,
દર્શન આપીને મારાં દુઃખદર્દ કાપો;
તમને જોવાને ઝંખું છું,
સાંઇનાથ, વંદન કરું આજ હું !
આગળથી વંદું ને પાછળથી વંદુ,
કોટિ કોટિ વાર ખરે, તમને હું વંદુ;
'પાગલ' છું પ્રેમમાં હું,
સાંઇનાથ, વંદન કરું આજ હું !
- શ્રી યોગેશ્વરજી

