MP3 Audio
*
સાચેરા સંત મળી જાય જો, ત્રણે તાપ મટી જાય,
ખરે મોત મરી જાય, સાચેરા સંત મળી જાય જો.
દર્શન દે પ્રેમ કરી સંત જો;
વ્યથા બધી મટી જાય, દૂર દળદર ને થાય... સાચેરા સંત
એનો પ્રકાશ પડે પ્રેમનો,
વાયુ વેદતણો વાય, હૈયું ઘેનભર્યું ગાય ... સાચેરા સંત
ભક્તિની ગંગા વહી રહી,
એમાં ન્હવરાવે ન્હાય, રસ પીએ ને પાય ... સાચેરા સંત
ચિંતા બળીને ખાખ થાય તો;
હોળી દિવાળી થાય, પાપ પુણ્ય બની જાય... સાચેરા સંત
દુર્લભ એ સંત સહવાસમાં,
મુક્તિ મહા મળી જાય, સિદ્ધિ સહજ બની જાય ...સાચેરા સંત
'પાગલ' કે' કેટલું કહું હજી,
કૃપા સંતની જો થાય, પ્રભુ પોતે મળી જાય ... સાચેરા સંત
- શ્રી યોગેશ્વરજી

