જેનું હૈયું પુનિત પ્રણયે રોજ મારે ઉછાળા,
જેના પ્રાણે અખિલ જગની જાગતી જ્ઞાનજ્વાળા;
જેણે અર્પી પરહિત ભરી જિંદગી વિશ્વકાજે,
તે સાંઈના ચરણમહીં હો વંદના લક્ષ આજે.
જે સિદ્ધિના પતિ, પતિતને કાજ જે પ્રેમવાળા,
રોમેરોમે સતત છલકે જેહના તેજ ધારા;
ભક્તો માટે વરદ, સુખ ને શાંતિથી જે નવાજે,
તે સાંઈના ચરણમહીં હો વંદના લક્ષ આજે.
દુઃખી કાજે હૃદય રડતું જેમનું તેમ કોઈ
રોગી પીડારત નિરખતાં પીગળે શીઘ્ર સોઈ;
જેનું હૈયું સુમનસરખું દર્દ જોતાં જ દાઝે,
તે સાંઈના ચરણમહીં હો વંદના લક્ષ આજે.
ભૂલોને ના કદિ નિરખતા, સિંધુ જેવા સમાવે,
ભક્તોને જે નિજ હૃદયમાં; શાંતિકીર્તિ કમાવે;
ગાંડોઘેલો શિશુ નિજ ખરે છોડવો કેમ છાજે,
તે સાંઈના હૃદયમહીં હો વંદના લક્ષ આજે.
શક્તિ છે ના પ્રકટ કરવા રૂપ સાચે તમારું,
ભક્તિમાંયે મન નવ ખરે લાગતું આ નઠારું;
તોયે તારે પરમમહિમા કીર્તિ જેની ન લાજે,
તે સાંઈના ચરણમહીં હો વંદના લક્ષ આજે.
થોડો માની વધુ હૃદયનો ભાવ ઢાળે કૃપાને,
જેની આંખે અમૃત વરસે ટાળતા તે તૃષાને;
પોકારોને તરત સુણતાં આવતા જે આવજે,
તે સાંઈના ચરણમહીં હો વંદના લક્ષ આજે.
સાંઈનાથ, સ્વીકારી લો પૂજા આ ભાવથી ભરી,
સહર્ષ આજ ને જાઓ વ્હેલા 'પાગલ’ને મળી.
- શ્રી યોગેશ્વરજી

