MP3 Audio
*
લેતાં સાઇ કેરું નામ, કરી લો આ દુનિયાના કામ,
સ્મરતાં સદાય સ્નેહનિધાન. કરી લો ... લેતાં
મદ ને માન અહંતા ધોઇ, હૈયે ઉત્તમ ભાવો બોઇ,
છોડી ચિંતા બીક તમામ, કરી લો ... લેતાં
જો જો કુકર્મ કદી ના થાયે, મન ના ખોટે મારગ જાયે;
માની સ્વાર્થ પ્રમાદ હરામ, કરી લો ... લેતાં
હિતમાં રોજ રહેજો રાજી, બનશો બીજાના, ના કાજી;
દેતાં જીવોને આરામ, કરી લો ... લેતાં
સંતસમાગમ નિશદિન સેવો, માણો પ્રભુભક્તિનો મેવો;
મળશે અંતરને આરામ. કરી લો ... લેતાં
વાવો તેવું લણો સદાયે, નિયમ જગતમાં એ વખણાયે;
માટે રગ રગ રાખી રામ; કરી લો ... લેતાં
સાંઈ સમર્થ ખૂબ ગણાયે, પ્રેમદયા મહિમા વખણાયે;
કરશે કારજી સિદ્ધ તમામ, કરી લો ... લેતાં
લઇ લો શરણ સદાયે એનું, સ્નેહી સંસારે કો' કેનું;
રે'વું બે દિન કે બે યામ, કરી લો ... લેતાં
'પાગલ' સાઇના ગુણ ગાયે, પામી કૃપા નિરંતર ન્હાયે;
જીવો હૈયે રાખી હામ, કરી લો ... લેતાં
- શ્રી યોગેશ્વરજી