દયાળુ છો તમે તો તો દયા આ દીન પર કરજો.
કૃપાળુ છો તમે તો તો કૃપાની લહાણને ધરજો. ... દયાળુ છો
હજારો ભક્ત ગાયે છે તમારા નામને નેહે,
સ્તવે પૂજે તમોને દેહધારી માનતાં દેહ;
સ્તવન મારું ગણી મોટું જરી તો ધ્યાનમાં ધરજો,
અમીદ્રષ્ટિ કરી જલદી વ્યથા ને કલેશ સૌ હરજો. ... દયાળુ છો.
કથા તમને કહું શી હું, હૃદયની વાત જાણો છો,
થવાનું ના થવાનું ભેદ વિધિના સૌ પ્રમાણો છો;
કરો ઈચ્છા બધી પૂરી, અરજ આ ધ્યાનપર ધરજો;
તમે આપ્યું વચન પાળી હૃદયને રંગથી ભરજો, ... દયાળુ છો.
નિરાશ બને તમારા ભક્ત 'પાગલ’ના જરી જો જો;
હસે હસજો રડે તે તો તમે સાથે સદા રોજો;
તમારો જે થયો તેને તમે પણ વહાલથી વરજો,
મહીની મહાયાત્રામાં નિરંતર તારતાં તરજો. ... દયાળુ છો.
- શ્રી યોગેશ્વરજી

