Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સંસારના જનકપાલક છો તમે,
વ્યાપ્યા ચરાચરમહીં પ્રભુ સર્વના છો;
ઈપ્સિત ભક્તજનને સ્મિતસાથ આપો,
સાઈપ્રભો, સકળ સત્વર કષ્ટ કાપો !

દૈવી અનંત અવિનાશી વળી અજન્મા
વેદે સ્તવ્યા અતિપુરાણ કહી નિયંતા;
ઈપ્સિત ભક્તજનને સ્મિતસાથ આપો,
સાઈપ્રભો, સકળ સત્વર કષ્ટ કાપો !

ગાઈ શકે ન મહિમા કદિ કો તમારો,
માપે વિશાળ નભ મચ્છર શું બિચારો;
તોયે કરેલ સ્તુતિના પર લક્ષ આપો,
સાઈપ્રભો, સકળ સત્વર કષ્ટ કાપો !

છો પ્રેમમૂર્તિ, વરસો નિજ પ્રેમપાણી,
ને છો દયાળુ મમતાવળુ અખંડ દાની;
દૈવી કૃપાતણું ખરેખર દાન આપો,
સાઈપ્રભો, સકળ સત્વર કષ્ટ કાપો !

આધાર એક જગમાં પ્રભુ છે તમારો;
બીજો ગણ્યો સ્વપ્નમાં પણ ના સહારો;
ના યોગ્યતાપ્રતિ જુઓ બસ ભાવ માપો,
સાઈપ્રભો, સકળ સત્વર કષ્ટ કાપો !

હો સ્વલ્પ ઋણ પણ તેય અદા કરે છે,
લેનાર પૂર્ણ ઉપકાર ગણી ભરે છે,
ગીતોનું ઋણ પણ વ્યાજ સમેત આપો,
સાંઈપ્રભો, સકળ સત્વર કષ્ટ કાપો !

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit