પ્રભુ મારા બાનાની પત રાખો.
મને સદા પ્રાણસમીપે રાખો.
પ્રભુ મારા બાનાની પત રાખો.
જીવનમાં અંધારા આવે, રહ્યુંસહ્યું તે તેજ ન ફાવે;
પ્રકાશ ઢાળો, તિમિર હઠાવો, કૃપા કિરણથી લાખો.
પ્રભુ મારા બાનાની પત રાખો.
અંધાર ભરેલા મારગ પર વધવું પડે કદિક તો પ્રતિપળ;
કુસુમસમો પંથ કરો ત્યારે નજર કૃપાની નાખો.
પ્રભુ મારા બાનાની પત રાખો.
નિંદાના કટુ શબ્દ સુણાયે, સ્નેહીનાં હૈયાંય સુકાયે;
સ્વાગત હો ના ક્યાંય છતાં ના દ્વાર તમારું વાખો.
પ્રભુ મારા બાનાની પત રાખો.
હતાશ બનતાં હૈયું હારે, શ્રદ્ધા મરે હૃદયને ક્યારે;
સંકટ સમયે પણ એ ધીરજ હિંમતવાણી ભાખો.
પ્રભુ મારા બાનાની પત રાખો.
'પાગલ’ પ્રાણ ચહે છે તમને, આરાધે પ્રતિપળ પૂર્ણપણે;
અમૃતપાન નિરંતર કરતાં સ્વાદ અલૌકિક ચાખો.
પ્રભુ મારા બાનાની પત રાખો.
- શ્રી યોગેશ્વરજી

