MP3 Audio
*
એવા ગુરૂને પદે મારી પ્રીતિ હજો !
કુણાં કાળજાની કોરે એનું આસન થજો ! ... એવા ગુરૂને પદે
જે છે પરબ્રહ્મના જ સ્વરૂપ સમા,
વ્યાપ્યા વ્યોમધરા, આખા બ્રહ્માંડમાં;
એવા ગુરૂને પદે મારી પ્રીતિ હજો !
કુણાં કાળજાની કોરે એનું આસન થજો ! ... એવા ગુરૂને પદે
એને માત કહું, એને તાત ગણું ?
સ્નેહી, મિત્ર, સખા કહું, ધન કે ઘણું ?
એનાં ગુણને સદા મારી ભાષા ભજો !
કુણાં કાળજાની કોરે એનું આસન થજો ! ... એવા ગુરૂને પદે
એણે સાચી સહાય છે મુજને કરી,
શીળી છાંયડી રણનાં પ્રવાસે ધરી;
એની કૃપા પામી મન મારું શાંતિ સજો !
કુણાં કાળજાની કોરે એનું આસન થજો ! .. એવા ગુરૂને પદે
કેવી પ્રેરણાની માળા એણે મુજને ધરી !
દોર્યો મુજને જનની જેમ જતને વળી ;
એને કાજે હૈયું હેત એનું સઘળું તજો !
કુણાં કાળજાની કોરે એનું આસન થજો ! .. એવા ગુરૂને પદે
ધરી દીધું બધું મેં તો એને હવે,
એના વિનાનું રુચે બીજું મને ના ભવે ;
એના ઉરમાંય મારે માટે પ્રીતિ હજો !
કુણાં કાળજાની કોરે એનું આસન થજો ! ... એવા ગુરૂને પદે
- શ્રી યોગેશ્વરજી
Comments