MP3 Audio
*
સાંઈનાથ તારા વિના કોને પોકારું ?
કોને પોકારું સ્તવું કોને કહે વારું ? ... સાંઈનાથ.
કોના દિલમાં દયાનો દરિયો ઉછળતો ?
પ્રેમનાં પિયૂષ કોના પ્રાણ સદા ફૂટતો ?
હૈયામાં કોને ધારું, કોને પોકારું ?... સાંઈનાથ.
કોણ છે સમર્થ વળી અન્ય અવનીમહીં ?
નિસ્વાર્થ સ્નેહ કરે અન્ય કો કૃપા નહીં;
ચરણે ધન કાં ના ઢાળું ? કોને પોકારું ?... સાંઈનાથ.
લીધો આધાર એક તારો મેં પ્રેમથી,
કરી દે કૃતાર્થ તારી અંતરની રે'મથી;
કીર્તન કરું છું તારું, કોને પોકારું ? ... સાંઈનાથ.
પ્રીતડી થયેલ હવે સ્વપ્ને ન તૂટે,
ભાવ તારા અંતરથી જોજે ના ખૂટે ;
હેત મારું સઘળું હારું, કોને પોકારું ?... સાંઈનાથ.
પોકાર પ્રેમથકી સાંભળી લે મારા,
વરસી લે કૃપાકેરી કોટિકોટિ ધારા;
જીવન બને તો ન્યારું, કોને પોકારું ? ... સાંઈનાથ.
- શ્રી યોગેશ્વરજી

