આજે રાતે તો મારી આંખ જરાક મળી ગઈ ને તમે મારી સામે પ્રકટ થયાં.
તમારું પરમ પ્રકાશિત રૂપ મારી આંખને માટે આનંદદાયક થઈ પડ્યું.
તમને જોઈને મારું તનમન નાચી ઉઠ્યું.
ત્યાં તો તમે મારો હાથ પકડ્યો
ને તમે તમારી આંખને મારી આંખમાં એકાગ્ર કરી કૈંક કહેવા માંડ્યા.
એ વખતની મારી પ્રાર્થના અમર રહી ગઈ.
મેં તમને કહેવા માંડ્યું :
તમે મારો હાથ પકડ્યો છે તો હવે છોડશો નહિ,
કાયમને માટે પકડેલો જ રાખજો એવી મારી પ્રાર્થના છે.
ને તમે કહ્યું :
જન્મજન્માંતર લગી તમારા હાથ ને સાથને છોડવાની મારી ઈચ્છા નથી ને શક્તિયે નથી.
ત્યારે એ રાત મારા જીવનની પર્વરાત બની ગઈ.
તમારા શબ્દો મારા માટે સંસ્મરણની મહામૂલ્યવાન સામગ્રી જેવા થઈ પડ્યા છે.
- શ્રી યોગેશ્વરજી

