if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
આજે તો તમે પાનેતર પહેરીને મધરાત પહેલાં મારી પાસે પ્રકટ થયાં,
ને મારા પલંગ પર બેસીને મને આલિંગન આપવા માંડ્યા.
તે પછી મોગરાની તાજી માળા લઈને તમે મારા કંઠમાં અર્પણ કરીને કહેવા માંડ્યા :
પ્રભુ મને માફ કરો. આજે જરા મોડું થયું. હું તમારી જ છું. મને માફ કરો.

તમારી આ એકાએક થયેલી પ્રેમવર્ષાથી મને અત્યંત આનંદ થયો.
એકમેકની સોડમાં બેસીને આપણે ધરાઈ ધરાઈને વાતો કરી.
ને તમારો વિદાય થવાનો વખત આવ્યો ત્યારે મારું હૃદય ભરાઈ આવ્યું.
મારાથી છાતીફાટ રુદન થઈ ગયું.

મેં કહ્યું : દેવી, હું તમારી ચરણરજ હોત તો પણ તમને ચોવીસે કલાક ચોંટી રહેત.
અરે, તમારો નોકર હોત તો પણ કેવું સારું !
તમારી સાથે રહીને જપ કરત, તપ કરત,
સાધના કરતા, ને ચોવીસે કલાક તમારું દર્શન કર્યા કરત.
મારું નસીબ તો એવું પણ નથી.
તો પણ હું મને તમારો પ્યારો દાસ સમજું છું ને તમારા સદાના સહવાસની કામના કરું છું.
ને મેં તમારા ચરણને નમન કરી લીધું.

મારી વાત સાંભળીને તમે ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા.
મેં તમને તેનું કારણ પૂછ્યું તો તમે કહ્યું :
મારાં ચરણને નમન ના હોય. તમે તો મારા છો - મારા પ્રાણ છો.
તમારાથી એકે ક્ષણ દૂર રહેવાની મારી મરજી નથી.
મારા ચરણને સ્પર્શ કરીને મને ના લજાવશો.
તમારી સાથેનો મારો સંબંધ સ્વામિની ને સેવકનો નહિ પણ પ્રિયતમા ને પ્રિયતમનો જ છે:
ને તે જ રહે એમ ઈચ્છું છું.
થોડા વખતમાં જ હું તમને મારા સનાતન સહવાસનું દાન કરીશ.

મેં આનંદમાં આવી જઈને ગદગદ કંઠે કહ્યું :
ભવોભવ લગી આપણો એવો સ્નેહસંબધ ભલે ચાલુ રહે.
ને તમે વિદાય થયાં ત્યારે વાતાવરણમાં આક્રંદના પડઘા પડી રહ્યા હતા.
તમારો આ પ્રેમ ને તેને વ્યક્ત કરનારી આજની રાત મારા જીવનમાં અમર રહી જશે.

- શ્રી યોગેશ્વરજી
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.