Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે મારો ત્યાગ કેમ કરી દીધો છે તે મને સમજાતું નથી.
જરા યાદ તો કરો, જુઓ તો ખરાં, કે તમારે માટેનો મારો પ્રેમ કેટલો બધો અજબ છે !
સંસારના વિનાશી ને જરા તથા વ્યાધિને વશ થનારા પદાર્થો સાથે સંબંધ બાંધવાને બદલે
મેં તમને જ પ્રેમ કર્યો છે ને તમારી સાથે જ સંબંધ બાંધ્યો છે.
તમને હું ખરા હૃદયથી ચાહું છું ને ઝંખું છું.

જીવનના અરુણોદયથી જ મેં તમારે ચરણે મારા પ્રાણના સુમનને સમર્પિત કર્યું છે.
છતાં તમે મારા તરફ ઉદાસીન છો -
જોઈએ તેવું ધ્યાન આપતાં નથી, એ એક હકીકત છે.
તમારે માટે શું આ શોભાસ્પદ છે ખરું ?
જે તમારે માટે રડે છે, કકળે છે, ને ઝંખે છે,
તેની તમે ખબર લેતાં નથી, ને તેની પાસે આવતાં નથી, એ શું તમને છાજે છે ?
તમારી ભક્તવત્સલતાના યશને એથી મદદ મળે છે ?

મારા પ્રેમ, ભાવ ને ગીતોથી મુગ્ધ થઈને
એક સાધારણ સુકુમારીએ પણ મને સર્વસમર્પણ કર્યું હોત;
તો આ તો તમે છો.
રૂપ, ગુણ ને જ્ઞાનનાં મૂળ સ્વરૂપ. સુંદરતા ને શીલનાં સાગર.
છતાં તમે હજી મૂક બેસી રહો છો ને મારાથી દૂર રહો છો તે તમારા વિવેકને ધન્યવાદ ઘટે છે,
ખરેખર ધન્યવાદ ઘટે છે.

- શ્રી યોગેશ્વરજી