તમે કૃપા કરીને મારા પર જે પ્રેમની અપાર વર્ષા વરસાવી છે
તેને માટે હું તમારો આભારી છું.
પ્રેમની અનંત ને રસમય રાગરાગિણીથી તમે મારાં તન, મન ને અંતરને ભરી દીધું છે.
તેને માટે હું તમારો ઋણી છું.
તમારા પ્રેમનું પાન કરીને હું ખરેખર પ્રસન્ન ને ધન્ય થયો છું.
તમારા પ્રેમ વિના આ જીવન મારે માટે જીવવા જેવું ભાગ્યે જ હોત.
તમારા પ્રેમની જ બલિહારી છે
કે મારા જીવનમાં નવો પ્રકાશ, નવી પ્રેરણા ને નવી આશા પથરાઈ ગઈ છે.
મારું જીવન ખરેખર પાવન બન્યું છે.
તમારા પ્રેમનો બદલો હું કેવી રીતે વાળી શકું
ને મારી કૃતજ્ઞતાને શબ્દોથી કેવી રીતે ઠાલવી શકું ?
તમે અંતર્યામી છો એટલે તેને ઠાલવવાની જરૂરે ભાગ્યે જ છે.
છતાં પણ પ્રેમનાં બેચાર અશ્રુ-બિંદુના રૂપમાં તમને અંજલિ આપીને ખાતરી આપું છું
કે હું તમારો જ રહીશ.
તમારા વિના મારું દિલ હું બીજા કોઈનેય નહિ દઈશ, ને બીજા કોઈનોય નહિ થઈશ.
જીવનની આ કટોકટી ને ક્રાંતિના સમયે તમે વરસાવેલી કૃપા ને પ્રેમની વર્ષા બદલ
હું તમારો આભાર માનું છું,
ને એકવાર ફરી મારાં પ્રેમનાં ગીતોની સાથે મારું સર્વસ્વ તમારે ચરણે ધરું છું.
- શ્રી યોગેશ્વરજી

