શરણાગત સાધકે સંતના ચરણને પશ્ચાતાપના પાણીથી પલાળતાં કહ્યું :
પ્રભુ મારા અપરાધ અપાર છે.
તેને લીધે સમાજમાં મારી લગભગ બધે જ નિંદા અને અવહેલના થઈ રહી છે.
તમે મારો કેવી રીતે સ્વીકાર કરશો ?
સંતે તેના મસ્તક પર હાથ ફેરવતાં ગળગળા થઈને ઉત્તર આપ્યો :
ભૂતકાળમાં શું હતું તે જોઈને હું બેસી રહેતો નથી.
વર્તમાન કાળને હું જોઈ રહ્યો છું ને તે જ મારે મન મહત્વનો કાળ છે.
માટે મારી પાસે નિર્ભય બની જા.
તું મારો થઈ ચુક્યો છે એટલું પૂરતું છું.
મારા અંતરમાં તારે માટે પ્રેમ ને અનુકંપા જગાવવા એટલું પૂરતું છે.
સાધકે ધ્રુસકે ને ધ્રુસકે રોવા માંડ્યું.
આવા જ શાંતિદાતાની મારે જરૂર હતી,
તેનું હદય બોલી ઉઠ્યું,
આવા જ પ્રકાશદાતાને માટે હું વરસોથી પ્રતીક્ષા કરી રહ્યો હતો.
- શ્રી યોગેશ્વરજી

