ચાંદની રાત કેટલી રૂપાળી છે !
તેને જોઈને આજે પણ તમારી યાદ તાજી થાય છે.
એક વખત તો તમે મારી સામે સસ્મિત પ્રકટ થાઓ,
પછી આ ઉઘાડા આકાશ નીચે તમારા ચરણમાં મસ્તક મૂકીને
ને તમારી આંખમાં આંખ મિલાવીને બેસી રહું.
આ તારા ને ચંદ્રને, વૃક્ષો ને વિહંગને, નદીનાં નેહનીતરતાં નીરને
ને આ પ્રેમના પાવન સ્પર્શથી પુલકિત થયેલી પૃથ્વીને કહું -
અમારા પ્રેમના સાક્ષી તમે રહેજો.
આ અપૂર્વ પવિત્ર પ્રેમને અમર રાખજો.
જુગોજુગ તેનું જતન કરજો,
એક બીજાથી કદી પણ અલગ ના થઈએ, વિખૂટાં ના પડીએ.
એકમેકને એક વિપળ માટે પણ વિસરી ના જઈએ,
અનંતકાળ લગી આપણા અંતર આ જ રીતે વહાલના વહેણ બનીને વહેતાં રહે,
તેમાં ભરતી કે ઓટ ના આવે.
ચાંદની રાત કેટલી રળિયામણી છે !
ત્યારે મારા મનમાં આ મનોરથ જાગે છે, ને તમારા વિના હૃદય રડવા માંડે છે.
- શ્રી યોગેશ્વરજી

