Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મધરાત વીતી ગઈ છે પણ મારી આંખોમાં ઊંઘ નથી.
તમે મારી પાસે આવો એમ મને ક્ષણે ક્ષણે થયા કરે છે.
ક્ષણે ક્ષણે વ્યાકુળ મને હું તમારી વાટ જોયા જ કરું છું.
મધરાત વીતી ગઈ છે પણ મારી આંખમાં ઊંઘ નથી.

મીઠો મધુરો પવન આજુબાજુ વહ્યા કરે છે,
ને બાજુના બાગના ફૂલોની સુવાસને બધે ફેલાવે છે.
કોઈનીયે આંખ મળી જાય એવો આ વખત છે
ને જગત આખું જાણે કે સુખનિદ્રામાં સુઈ રહ્યું છે.
પણ મારી આંખમાં ઊંઘ નથી.
મધરાત વીતી ગઈ છે પણ મને ઊંઘ નથી.

તમે ક્યારે આવો છો એ જ જાપ મારા મનમાં ચાલ્યા કરે છે
ને અંતર તમારી અખંડ આરતી ઉતાર્યા કરે છે.
આંખોમાંથી આંસુની અવિરત ધારા વહ્યે જાય છે.
તે લઈને તમારા સ્વાગતની તૈયારી કરતાં બેઠો છું.

મધરાત વીતી ગઈ છે ને બાકીની રહીસહી રાત પણ વીતતી જાય છે.
પણ મારી આંખોમાં ઊંઘ નથી.

- શ્રી યોગેશ્વરજી