Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
આજની રાત મારા જીવનની ઉજ્જવળ ને યાદગાર રાત બની ગઈ
ને મને ખબર છે ત્યાં સુધી તમારા જીવનની પણ.
રાત તો બીજી ઘણીયે આવી ને આવશે,
પણ આ રાત એના રંગ માટે કાયમને માટે યાદગાર બની ગઈ.
આજની રાત મારા જીવનની ઉજ્જવળ ને યાદગાર રાત બની ગઈ.

ચંદ્રમાંથી ચમકી રહેલા માલતીમંડપમાં
રાતરાણી કરતાંયે વધારે મદોન્મત્ત ને મધુમય સુવાસ છોડતાં તમે પ્રકટ થયાં.
ને તમારું રૂપ જોઈને ચંદ્રમાને એવી તો લજ્જા થઈ
કે થોડો વખત તો તેણે વાદળ પાછળ પ્રવેશ કર્યો.
પણ તમારાથી પૃથ્વી વધારે સાફ ને મંગલમય દેખાતી હતી.
રાત્રિના એ શાંત ને રસમય વાતાવરણમાં એકમેકને નિહાળીને આપણાં અંતર નાચી ઉઠ્યાં,
અમૃતની વર્ષા કરવા માંડ્યા,
ને પછી તો તમે મને માળા પહેરાવીને મારા કંઠની આસપાસ વીંટળાઈ વળ્યા.
તમારા મસ્તકને બે હાથે ઊંચું કરી તમારા ગાલ પર હાથ ફેરવતાં
મેં જોયું તો તમારી આંખમાં અનુરાગનાં આંસુ હતાં.

શી ઈચ્છા છે ? શું માંગે છે ?
આજે હું તારા પર પ્રસન્ન છું.
મારા એ શબ્દોના ઉત્તરમાં સુમધુર સ્મિત કરતાં
તેં મારા કંઠને ફરીવાર બાહુથી સુશોભિત કરતાં કહ્યું :
પ્રભુ, મને આ જ રીતે - કાયમ માટે તમારે કંઠે વેલ જેમ વીંટળાયેલી રાખજો.

‘જરૂર.’ મારા મુખમાંથી અમૃતની વર્ષા થવા માંડી;
‘તારી માગણી મને મંજૂર છે. વેલથી વૃક્ષની તેમ તારાથી મારી શોભા છે.
એ શોભા સદાયે રહે, અખંડ રહે,
એ મારી અભિલાષા, એ માટે તો મારી આરાધના છે.’
ને તેની કૃતાર્થતાનો પાર રહ્યો નહિ.

- શ્રી યોગેશ્વરજી