તમારી આંખમાં આંખ મળતાંવેંત મેં મારું જીવન તમને કુરબાન કર્યું છે.
તમારા હૃદય સાથે હૃદય મળતાંવેંત મારું હૃદય તમને અર્પણ કર્યું છે,
ને મારા બહુ બજેલા બીનને તમારું કરીને તમારા જ સ્વરથી સુશોભિત કર્યું છે.
તમારા પ્રેમામૃતના પાનથી મારું તન ને મન પાવન થયું છે, ને અંતર તદ્દન નિર્વિકારી બન્યું છે.
બીજા રસાસ્વાદ હવે તેને રુચતા નથી, ને બીજે ક્યાંય તેને ચેન પડતું કે સુખ મળતું નથી.
તમારા ચંદનશીતલ સુમનસુવાસિત સહવાસમાં મેં મારા સર્વસ્વનું તમને દાન કરી,
તમારા નામ ને કામને અમર કર્યું છે.
- શ્રી યોગેશ્વરજી

