Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારા રૂપને હું ધારીધારીને જોયા કરું
ને એક ક્ષણ પણ તમારાથી અળગો ના રહું એવો આશીર્વાદ આપી દો.
હે દયામય, એવો આશીર્વાદ આપી દો.

તમારા પ્રેમામૃતનું પાન હું નિરંતર કર્યા જ કરું, આકંઠ પાન કર્યા કરું,
ને કદી તૃપ્ત ના થાઉં, એવો આશીર્વાદ આપી દો.
હે દયામય, એવો આશીર્વાદ આપી દો.

મારા જીવનમાં એ પર્વ દિવસ ક્યારે ઉગશે જ્યારે આપણે કાયમને માટે ભેગાં મળીશું,
શરીરના વાહન દ્વારા ભેગાં મળીશું, ને પરસ્પર પ્રેમ કરીશું.
એ દિવસની પ્રતીક્ષામાં મારા આજના જીવનને હું તપાવી ને તાવી રહ્યો છું
ને દિનરાત પસાર કરું છું.

હવે તો કૃપા કરો તો મારા જીવનની સાધના પૂરી થાય,
મારા સ્નેહથી છલકાતા હૃદયની પૂજા યોગ્ય પાત્રને પામી સફળ થાય,
ને મારું તન, મન ને અંતર ઉજ્જવલ થાય.
તે વિના મને શાંતિ નહિ જ મળી શકે એ વાત મને ને તમને સારી પેઠે સમજાઈ ગઈ છે.

- શ્રી યોગેશ્વરજી