તમે આટલો બધો વખત મારાથી દૂર રહ્યાં એ જાણીને મને નવાઈ લાગે છે.
આપણો સંબંધ જોતાં તો તમારે મારાથી એક ક્ષણ પણ છૂટા પડવું જોઈતું નહોતું.
સંસારમાં મેં શ્વાસ લેવાનું શરૂ કર્યું ત્યારથી જ
તમારે મારી સાથે શ્વાસ લેવાની શરૂઆત કરવી જોઈતી હતી.
મારાથી એક ક્ષણ દૂર રહેવાની તમારે જરૂર જ ક્યાં હતી ?
જો દૂર જ રહેવું હતું તો મને આ સંસારમાં તમારી પહેલાં ને એકલો શા માટે મોકલ્યો ?
અત્યાર સુધી તો આપણે સાથે રહીને આ સંસારને શુદ્ધ પ્રેમનો પાઠ આપી શક્યાં હોત,
પ્રેરણા પહોંચાડી શક્યાં હોત, ને પૃથ્વીને રેલમછેલ કરી પાવન કરી હોત.
તેને બદલે વરસો વીતી ગયાં છે, પણ હજી મારી સાધના પૂરી થઈ નથી.
મારી વેદના એવી જ ચાલુ છે, ને મારી આહ એકધારી ઉઠ્યા જ કરે છે.
દર્દને દફનાવવાનું કામ મારે માટે કપરું થઈ ગયું છે.
શું તમને આ બધું સારું લાગે છે ?
માટે જ કહું છું
કે હવે મને તમારા વિરહની કારમી યંત્રણામાંથી કાયમને માટે મુક્ત કરી દો.
હે મહાદેવી, મુક્ત કરી દો.
- શ્રી યોગેશ્વરજી

