Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મંદિરના દેવતાની આરતિ ઉતારી રહેલી એ નર્તકીની વાત તો સાંભળો.
અમે બંનેએ સાથે જ એ મંદિરની મુલાકાત લીધી.
દેવતાના ચરણમાં પુષ્પાંજલિ અર્પણ કરીને તે નમી પડી,
ને પછી આરતિના આહલાદક સ્વરોમાં મંદમંદ કૈંક ગાવા માંડી.
તેનું નૃત્ય ને ગીત જોઈને સૌને આનંદ થયો.
દેવતા પણ જાણે કે પ્રસન્ન થયા.

પણ ત્યાં તો તે તરત મારા પગમાં પડી.
આરતિ મને અર્પણ કરી, મારા પગને હાથની માળાથી વીંટી વળી, બેહોશ બનીને ઢળી પડી.

લાંબે વખતે ભાન આવતાં તે બોલી ઉઠી,
મારા દેવ તમે જ છો. એટલે જ મારી પૂજા મેં તમારે ચરણે અર્પણ કરી છે.
મારા તન, મન ને અંતરમાં આજે ધન્યતાની વીણા વાગી રહી છે.

ખરેખર તેની પૂજા અનેરી હતી.

મંદિરના કર્મચારીઓને આ રહસ્ય સમજાયું નહિ.
તેમાંનાં કેટલાક તો આવેશ ને ઉશ્કેરાટમાં હતા.
પરંતુ ઈશ્વરના દરબારમાં તેની પૂજાની કદર થઈ,
તેની આરાધના અંકિત થઈ ગઈ, એમ સાચે જ લાગ્યું.

- શ્રી યોગેશ્વરજી