Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પૃથ્વીનો તાપ ને તલસાટ ઘણો પ્રબળ છે.
વરસાદનાં ફોરાંથી તેને તૃપ્તિ થાય તેમ નથી.
તેને તો હેલી જોઈએ છે, અનંત હેલી.
જે તેને ગાંડી કરી નાંખે, પાગલ કરે, સાન ને ભાન ભૂલાવે.

કલાક બે કલાકના વરસાદથી તેના દિલની બળતરા મટે તેમ નથી.
એટલે તો હમણાં જ વરસાદ વરસી ગયો છે તો પણ, તેના દિલમાંથી વરાળ નીકળ્યા કરે છે.

મારા ઉરનો ઉકળાટ પણ એવો જ અનેરો છે.
વ્યથાની વરાળ તેમાંથી નીકળ્યા જ કરે છે.
તમારી કૃપાના બે ચાર બિંદુથી તેની શાંતિ નહીં થઈ શકે.
મારું તલસતું અંતર તમારા પ્રેમના બે ચાર ફોરાંથી તૃપ્તિ નહીં મેળવે.
તેને તો હેલી જોઈએ.
જેમ પહેલાંના વખતમાં વરસાદની હેલી થતી ને બધે રેલમછેલ થઈ રહેતી,
તેમ તમારા હેતની હેલીની મારે તો જરૂર છે.
તેવી હેલી થાય તો જ મારા દિલની વેદના ને વરાળ દૂર થઈ શકે,
ને મારું તન, મન ને અંતર સંતોષ ને શાંતિની સુવાસ ત્યારે જ છોડી શકે.

- શ્રી યોગેશ્વરજી