Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તમે કહો છો કે ‘તમારી પાસે ગીત ગાવાની કળા છે,
કુદરત સાથે એક થવાની આરાધના છે,
તેથી તું મારા પ્રેમના દર્દને દૂર કરી-ઓછું કરી ને શાંત કરી શકીશ’ :
પણ તમારી એ માન્યતા લૂલી છે.
ગીતોમાં મારા હૃદયને વહાવીને મારી વેદનાને ઓછી કરીશ એ વાત બરાબર નથી.
ગીતોથી તમારા પ્રેમનું દર્દ ઘટતું નથી પણ વધે છે.
તમારા અનુરાગના આલાપ એથી વધારે ને વધારે ચિરસ્થાયી ને પ્રબળ બને છે,
ને તમને મળવા માટે મન આકુળવ્યાકુળ થઈ રહે છે.
કુદરતને ખોળે પણ મારી એ જ દશા થાય છે.
આંખ ને અંતર તમારા અનુરાગનાં આંસુમાં પલટાઈને નિરંતર વહેવા માંડે છે,
ને પ્રાણ તમારી પૂજા ખૂબ પ્રબળપણે કરવાનો પ્રારંભ કરે છે.

એટલે તમારી માન્યતા મિથ્યા છે.
મૂળ વાત તો એ છે કે તમે મારી પાસે કાયમને માટે આવશો,
મારા પર પૂર્ણ કૃપા કરી દેશો,
ને મારે માટે તમારા પ્રેમનો ભંડાર મુક્ત રીતે ખુલ્લો કરશો,
ત્યારે જ મારા દિલનું દર્દ શમી શકશે ને મને શાંતિ પણ મળી શકશે.
બીજી કોઈયે રીતે નહિ.
આ વાત તમે સારી પેઠે સમજી લેજો.

- શ્રી યોગેશ્વરજી