Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રેમથી પ્રેરાઈને હું તમારી આટલી બધી પ્રશસ્તિ કરું છું
ત્યારે તમે મને વિનોદમાં કહી દો છો કે આટલી બધી પ્રશસ્તિ તે કાંઈ હોઈ શકે ?
મારા ગુણગાન કરવામાં ને મારા પ્રત્યે તમારા પ્રેમને વહેવડાવવામાં તમે બાકી રાખ્યું નથી,
પણ મારા કોઈ દુશ્મનને તો પૂછી જુઓ : મારે માટે તે કેવો અભિપ્રાય આપે છે !

તમારા એ શબ્દોને સાંભળીને હું જરાક હસું છું
ને કહું છું કે મને તમારા દુશ્મનના અભિપ્રાયની પરવા નથી.
હું તો મને જે લાગે છે તે જ માનું છું ને કહી બતાવું છું.
બીજાને શું લાગે છે તેનો વિચાર નથી કરતો.
બીજાને માટે તમે ગમે તે હો,
મારે માટે તો મારી જીવનદેવી છો, ને તમને હું પૂજું છું.
બીજા દુશ્મનની તો વાત જ શું, કદાચ તમે મારાં દુશ્મન થઈ જાવ
તો પણ મારા તમારા પ્રત્યેના પ્રેમ ને પ્રશસ્તિના ભાવમાં લેશ પણ ફેર પડનાર નથી -
કદિ પણ પડનાર નથી, એ નક્કી માની લેજો.

- શ્રી યોગેશ્વરજી