દીપક
મસૂરીમાં કુલડી બજારથી લાયબ્રેરી બજારના માર્ગે આગળ વધતાં રસ્તામાં રોપ-વે આવે છે. એની પાસે જ ઝૂલા છે. સૌથી પહેલાં એની પાસેની સડક પર મેં એ કિશોરને ઊભેલો જોયો. એના ખભા પર થેલી લટકાવેલી અને હાથમાં મકાઈની ધાણી જેવી ખાસ બનાવટ-'પોપ કોર્ન'નાં પેકેટો. એનાં વસ્ત્રો સાધારણ હતાં. એને એ અવસ્થામાં જોઈને મને કાંઈક કુતૂહલ થવાથી મેં એની પાસે ઊભા રહીને એને પૂછ્યું : ‘પોપ કોર્ન વેચવાનું શરૂ કર્યું છે ?’
એણે સહેજ સંકોચ છતાં સ્વસ્થતાપૂર્વક કહ્યું : ‘હા.’
‘ભણવામાં મન નથી લાગતું ?’
‘લાગે છે. સ્કૂલમાં જઉં છું. બાકીના થોડાક સમય દરમિયાન આવું કામ પણ કરું છું.’
‘માલ ક્યાંથી લાવે છે ?’
‘મોટા દુકાનદારો પાસેથી લાવું છું. મને એમાં થોડું કમીશન મળી જાય છે.’
‘કેટલું ?’
‘એક પાકીટ પર લગભગ વીસ પૈસા.’
‘વેચાણ સારી રીતે થઈ જાય છે ?’
‘થઈ જાય છે. કોઈ વાર વધારે થાય છે તો કોઈ વાર ઓછું.’
‘રોજનો આશરે કેટલો નફો મળે છે ?’
‘ચારથી પાંચ રૂપિયા.’
‘અત્યારથી આવું કામ કરવાનું કારણ ?’
‘પિતાજીનો સ્વર્ગવાસ થયો છે. ઘરમાં માતા અને નાના ભાઈબેન છે. માતા બને તેટલી મહેનત કરે છે. પરંતુ એટલાથી બધાનું ગુજરાન કેવી રીતે ચાલે ? એટલે સ્કૂલમાંથી છૂટ્યા પછી હું પણ મારાથી બનતા પ્રમાણમાં આવી રીતે મદદ કરાવતો રહું છું. બીજાની પાસે ભીખ માંગવાનું સારું નથી. અને માંગેલું પહોંચે પણ ક્યાં સુધી ? કામ કરવામાં કાંઈ નાનમ છે ?’
એની વાણીમાં નિખાલસતા હતી. એ વાણીને સાંભળીને મને આનંદ થયો. એનું અંતર ઉદાત્ત લાગ્યું. મેં કહ્યું : ‘કામ કરવામાં નાનમ શાની ? નાનમ તો કેવળ કુકર્મ કરવામાં છે. તારા વિચારો ને તારું કામ જોઈને મને ખરેખર આનંદ થાય છે.’
એ કિશોરને એવી રીતે પોપ કોર્ન વેચતાં હું કેટલીય વાર જોતો અને પ્રત્યેક વખતે આનંદાનુભવ કરતો. મને થતું કે આટલી નાની ઉંમરમાં જ આવા સુંદર સેવાસભર ભાવો કે વિચારોને સેવનાર આ કિશોર આગળ પર કેવો થશે ?
એ નાનકડા કિશોરને એક વાર મેં ફીની કે બીજી મદદ કરવાનો વિચાર કર્યો. એણે એની માતાને પૂછી જોવા જણાવ્યું. બેત્રણ દિવસ પછી માર્ગમાં મેળાપ થતાં એણે મારા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહેવા માંડ્યું : ‘માતાને પૂછી જોયું પણ મદદ લેવાની ના કહે છે. અમારું જીવન તો ઈશ્વરની કૃપાથી જેમતેમ કરીને ચાલે છે, પરંતુ બીજાં એવાં પણ હશે જેમની મુશ્કેલીનો પાર નહિ હોય. એમને મદદ કરી શકો છો. બાકી મારી માતા એવી રીતે મદદ મેળવવાની વિરુદ્ધ છે. એ કહે છે કે એથી વૃત્તિ બગડે છે.’
બીજી વાર કોઈ સદગૃહસ્થે એને કામળો આપવાની ઈચ્છા બતાવી ત્યારે પણ એણે ના પાડી. ‘એવી રીતે લેતો રહીશ તો લેતા રહેવાની ટેવ પડશે. કામ કરવાનું મન નહિ થાય. એટલા માટે ના લઉં એ જ સારું છે.’ એવી એની ભાવના હતી. એ ભાવના ઉત્તમ અને આવકારદાયક નહોતી એવું કોણ કહી શકે ?
એ કિશોરની પ્રવૃત્તિ આજે પણ ચાલી રહી છે. એનું જીવન એક શક્તિશાળી સ્ફુલ્લિંગ જેવું છે. એની અંદર જ્વાળા જાગવાની શક્યતા છે. એક એવા અસાધારણ બીજ જેવું છે જેમાં સુંદર સૃષ્ટિ સમાયેલી છે. આપણે કહીએ છીએ કે આપણે ત્યાં વસતિ વધે છે પરંતુ ‘માનવો’ ઘટતા જાય છે. એવી પરિસ્થિતિમાં આપણા સમાજના સુખદ સમૃદ્ધ ભાવિ માટે આવા કિશોરો આશાજનક છે. એમની સંખ્યા વધતી જશે તો અવનીને માટે આશીર્વાદરૂપ થશે. દિવ્યતાના એવા દીપકોને ઈશ્વર અમર અને અખંડ રાખો !
- શ્રી યોગેશ્વરજી