મહર્ષિના મહાપ્રયાણનો સંકેત
શ્રી રમણ મહર્ષિએ પોતાના મહાપ્રયાણનો પૂર્વસંકેત કોઈને પૂરો પાડેલો ખરો ? એના વિશે કોઈ પ્રેમી, પ્રશંસક કે ભક્તપુરુષને અનુભવ મળેલો ? બીજા કોઈના અનુભવની માહિતી તો મને નથી મળી એટલે એ સંબંધી કશું પ્રમાણભૂત રીતે નથી લખી શકાય તેમ, પરંતુ એ સંબંધી મારા સ્વાનુભવનો નિર્દેશ કરવા જેવો છે.
ઈ.સ. ૧૯૪૯ માં દેવપ્રયાગમાં મને થયેલા ટાઈફોઈડ દરમ્યાન એક દિવસે સવારે એમણે મારી સમક્ષ દેહાતીત દશામાં પ્રકટીને જણાવ્યું કે મારા શરીરત્યાગનો સમય હવે સમીપ છે.
એ જાણીને મને અલ્પ પણ આનંદ ના થાય એ સ્વાભાવિક હતું. એમના જેવા લોકોત્તર મહાપુરુષ પોતાની જીવનલીલા સંકેલી લે એ સંસારના હિતમાં નહોતું. એમના પ્રત્યેના અસાધારણ આદરભાવથી પ્રેરાઈને મેં કહ્યું કે તમારા જેવા મહાપુરુષનું જીવન માનવજાતિને માટે મંગલમય હોવાથી હજુ પણ કેટલાંક વરસો સુધી શરીરને સાચવી રાખો તો સારું.
મારી વિજ્ઞપ્તિના ઉત્તરમાં એમણે કહ્યું કે ના. હું હવે વધારે સમય સુધી નહિ રહી શકું. આજથી છ મહિના પછી હું શરીર છોડીશ ને જ્યારે પણ છોડીશ ત્યારે સાંજના છ વાગ્યા પછી છોડીશ.
મારે માટે એ સમાચાર તદ્દન નવા હતા.
એ પછી તો મારું શરીર સ્વસ્થ થઈ ગયું ને થોડાક મહિના પછી મારે મુંબઈ જવાનું થયું. ત્યાં એ અસાધારણ અનુભવના પાંચેક મહિના પછી એમણે મને એવી જ રીતે ફરીવાર દર્શન આપીને જણાવ્યું કે મારા દેહત્યાગનો હવે એક મહિનો શેષ રહ્યો છે.
મેં ઘરના (જ્યાં હું ઉતરેલો તે ઘરના) માણસોને એ અનુભવની વાત કરી અને અનુકૂળતા કાઢીને એ મહાપુરુષના દર્શને જવાની સુચના આપી. પરંતુ એ એમના દર્શને ના જઈ શક્યા.
એ પછી બરાબર એક મહિને, અમે હરિદ્વારમાં કુંભમેળાના શુભાવસર પર રમાભવનમાં હતા ત્યારે ચૌદમી એપ્રિલે એમણે પોતાના પાર્થિવ શરીરનો પરિત્યાગ કર્યો. અને એ પણ એમના પૂર્વકથન પ્રમાણે જ સાંજના છ વાગ્યા પછી, આઠ ને સુડતાલીસ મિનિટે. કેટલો બધો યથાર્થ અનુભવ !
એમના અસાધારણ અનુગ્રહથી પ્રેરાઈને એમણે મને એનો અધિકારી માન્યો એ એમની મહાનતા હતી એમાં સંદેહ નથી.
- શ્રી યોગેશ્વરજી