प्राणान् प्रपीड्येह संयुक्तचेष्टः क्षीणे प्राणे नासिकयोच्छ्वसीत ।
दुष्टाश्वयुक्तमिव वाहमेनं विद्वान् मनो धारयेताप्रमत्तः ॥९॥
pranan prapidyeha samyuktacestah
ksine prane nasikayocchvasita ।
dustasvayuktamiva vahamenam
vidvan mano dharayetapramattah ॥ 9॥
કરે યોગ્ય આહારવિહાર, અને કર્મો પણ યોગ્ય કરે,
પ્રાણાયામ કરે, સુક્ષ્મ બને પ્રાણ બ્હાર તે કાઢી દે;
તોફાની ઘોડાના રથને સારથિ જેમ ચલાવે છે,
સાવધ તેમ રહીને મનને બાહ્ય વિષયથી દૂર કરે. ॥૯॥
અર્થઃ
વિદ્વાન - વિદ્વાન સાધક
ઇહ - ઉપર્યુક્ત સાધનામાં
સંયુક્તચેષ્ટઃ - આહારવિહારાદિ ચેષ્ટાઓને સુયોગ્ય રીતે કરીને
પ્રાણાન્ પ્રપીડ્ય - પ્રાણાયામ કરીને
પ્રાણે ક્ષીણે - પ્રાણ સૂક્ષ્મ થતાં
નાસિક્યા - નાસિકા દ્વારા
ઉચ્છવસીત - બહાર કાઢે
દુષ્ટાશ્વયુક્તમ્ - (પછી) દુષ્ટ ઘોડાવાળા
વાહમ્ ઇવ - રથને જેવી રીતે સારથિ સંભાળપૂર્વક આગળ લઇ જાય છે તેવી રીતે
એનમ્ - આ
મનઃ - મનને
અપ્રમત્તઃ - સાવધાનીપૂર્વક
ધારયેત - ધારે અથવા સ્થિર કરે.
ભાવાર્થઃ
આ શ્લોકમાં ધ્યાનયોગની વિશેષ સૂચના આપવામાં આવી છે. એ સૂચના પણ કલ્યાણકારક છે. ધ્યાનમાર્ગના સાધકે આહારવિહારમાં આંધળુકિયાં કર્યા વગર વિચારપૂર્વક આગળ વધવું જોઇએ. યોગ્ય વખતે, યોગ્ય માત્રામાં, યોગ્ય આહાર, વિહાર અને વ્યવહારનો આધાર લેવો જોઇએ. અતિશય ખાવાથી, તદ્દન ના ખાવાથી, અતિશય ઉંઘવાથી, છેક જ ના ઉંઘવાથી, અને બુદ્ધિને ગીરે મૂકીને ફાવે તેવાં કુકર્મો કરવાથી અથવા સત્કર્મોનો પણ અહંકાર અને રાગ રાખવાથી, યોગસાધના નથી થઇ શકતી. એમાં મન તથા ઇતર ઇન્દ્રિયોનો સંયમ અતિ આવશ્યક છે. એ ઉપરાંત પ્રાણાયમ પણ ઉપયોગી ભૂમિકા પૂરી પાડે છે. એથી ધ્યાનની સાધનામાં મનને જોડવાનું અને એકાગ્ર કરવાનું સરળ બને છે. ધ્યાનના અંતરંગ અભ્યાસના આરંભમાં પ્રાણાયામની પ્રક્રિયાનો આધાર લેવો, અને તોફાની ઘોડાવાળા રથને સારથિ સાવધાનીપૂર્વક આગળ લઇ જાય છે તેમ, તોફાની ઇન્દ્રિયોને એમના વિષયોમાંથી પાછી વાળી, શાંત કરીને, મનને ધીમેધીમે છતાં મક્કમ રીતે ધ્યાનમાં પરોવવું.

