वेदाहमेतमजरं पुराणं सर्वात्मानं सर्वगतं विभुत्वात् ।
जन्मनिरोधं प्रवदन्ति यस्य ब्रह्मवादिनो हि प्रवदन्ति नित्यम् ॥२१॥
vedahametamajaram puranam
sarvatmanam sarvagatam vibhutvat ।
janmanirodham pravadanti yasya
brahmavadino hi pravadanti nityam ॥ 21॥
અજન્મા અને નિત્ય કહે છે મહાપુરુષ જ્ઞાની જેને,
સર્વસ્થળે જે વ્યાપક, સૌના આત્મા, ઘટઘટવાસી જે;
જરામૃત્યુ ને વ્યાધિસમા સૌ વિકારથી પર તેમજ જે,
તે પુરાણ પરમેશ્વરને હું જાણું છું, પરમેશ્વરને ! ॥૨૧॥
અર્થઃ
બ્રહ્મવાદિનઃ - બ્રહ્મવાદી મહાપુરુષો
યસ્ય - જેમના
જન્મનિરોધમ્ - જન્મનો અભાવ
પ્રવદન્તિ - કહી બતાવે છે.
હિ (યમ્) - અને જેમને
નિત્યમ્ - નિત્ય
પ્રવદન્તિ - કહે છે.
એતમ્ - આ
વિભુત્વાત્ - વ્યાપક હોવાથી
સર્વગતમ્ - સર્વવ્યાપક
સર્વાત્માનમ્ - સૌના આત્મા
અજરમ્ - જાર, મૃત્યુ જેવા વિકારોથી રહિત
પુરાણમ્ - પુરાણ પુરુષ પરમાત્માને
અહમ્ - હું
વેદ - જાણું છું
ભાવાર્થઃ
પરમાત્મા વિશે અત્યાર સુધીની વાતો કેવળ વાંચેલી, સાંભળેલી કે વિચારેલી નથી પરંતુ સ્વાનુભવસિદ્ધ છે. આધ્યાત્મિક જીવનનો સાચો આનંદ ચર્ચાવિચારણામાં કે વાદવિવાદમાં સમાયેલો નથી પરંતુ સ્વાનુભૂતિમાં સમાયેલો છે. એ સત્યને સૂચવવા માટે ઋષિ જણાવે છે કે પુરાણપુરુષ પરબ્રહ્મ પરમાત્માને હું જાણું છું; મને એમનો સુખદ સાક્ષાત્કાર થયો છે. જીવનની પરમ ધન્યતાની વીણા એથી વાગી ઉઠી છે. બ્રહ્મવેત્તા બ્રહ્મવાદી પુરુષો એ પરમાત્માને અજન્મા, અવિનાશી, નિત્ય, સર્વાત્મા, જરાદિ વિકારોથી રહિત અને સર્વવ્યાપક કહે છે. એમનો સાક્ષાત્કાર અથવા સંપર્ક સુખશાંતિકારક છે. જીવનનું આત્યંતિક કલ્યાણ એમાં જ સમાયેલું છે. માટે માનવે એમનું અનુસંધાન સાધવું જોઇએ.