अजात इत्येवं कश्चिद्भीरुः प्रपद्यते ।
रुद्र यत्ते दक्षिणं मुखं तेन मां पाहि नित्यम् ॥२१॥
ajata ityevam kaschidbhiruh prapadyate ।
rudra yatte daksinam mukham
tena mam pahi nityam ॥ 21॥
રુદ્ર ! તમે છો સદા અજન્મા, તેથી ચાહો તો જનને,
જન્મમૃત્યુથી મુક્ત કરી દો, સ્વાભાવિક એ છે તમને;
તેથી ભીત થયેલા જન તે શરણ તમારી આવે છે,
મનેય શરણ લઈ લો આજે મંગલ રૂપ બતાવીને,
ભયથી મુક્ત કરી દો મુજને રૂપ તમારું બતાવીને. ॥૨૧॥
અર્થઃ
રુદ્ર - હે રુદ્ર !
અજાતઃ - તમે અજન્મા છો
ઇતિ એવમ્ - એવું સમજીને
કશ્ચિત્ - કોઇ
ભીરુઃ - જન્મમરણ કે સંસારથી ગભરાયેલો જીવ
પ્રપદ્યતે - તમારું શરણ લે છે.
તે - તમારું
યત્ - જે
દક્ષિણમ્ - કલ્યાણમય
મુખમ્ - મુખમંડળ છે.
તેન - તેની દ્વારા
નિત્યમ્ - સદા
મામ્ પાહિ - મારી રક્ષા કરો.
ભાવાર્થઃ
જે જન્મમરણને આધીન, અલ્પ અને સંસારગ્રસ્ત છે તે બીજા જીવોની રક્ષા કેવી રીતે કરી શકે ? પરમાત્મા અજન્મા અને પૂર્ણ તથા સર્વસમર્થ હોવાથી શરણાગતની રક્ષા સારી રીતે કરી શકે છે અને કરે છે. એ સદા મંગલમય હોવાથી બીજાનું મંગલ કરે છે. એટલા માટે એમની પ્રાર્થના કરતાં કહેવામાં આવે છે કે હે પ્રભુ ! હે સર્વસંહારક રુદ્ર ! મેં તમારું શરણ લીધું છે. તમારી સંહારક શક્તિનો પ્રયોગ કરીને મારી નિર્બળતા, અશાંતિ અને અવિદ્યાનો નાશ કરો અને સંસારના વિષયોમાંથી મારી રક્ષા કરીને મારું સર્વપ્રકારે કલ્યાણ કરી દો.

