Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

आदिः स संयोगनिमित्तहेतुः परस्त्रिकालादकलोऽपि दृष्टः ।
तं विश्वरूपं भवभूतमीड्यं देवं स्वचित्तस्थमुपास्य पूर्वम् ॥५॥

adih sa samyoganimittahetuh
parastrikaladakalo'pi drstah ।
tam visvarupam bhavabhutamidyam
devam svachittasthamupasya purvam ॥ 5॥

આદિ જગતના પરમાત્મા છે કાલાતીત અકલ સાચે,
છતાં જીવ ને પ્રકૃતિના સંયોગતણા તે કારણ છે;
અંતરમાં તે પરમાત્મા છે, જગતરૂપમાં તે પ્રકટ્યા,
પુરાણ છે તે સ્તુત્ય, કર્યાથી ભક્તિ પ્રેમથી તે મળતા. ॥૫॥

અર્થઃ

સઃ - તે
આદિઃ - સૌના મૂળ કારણ પરમાત્મા
ત્રિકાલાત્ પરઃ - ત્રણે કાળથી અતીત
અકલઃ - કળારહિત
અપિ - (હોવા છતાં) પણ
સંયોગનિમિત્તહેતુઃ - પ્રકૃતિની સાથે જીવનો સંયોગ કરાવવામાં કારણોના પણ કારણ
દૃષ્ટઃ - જણાયા છે.
સ્વચિત્તસ્થમ્ - પોતાના હૃદયમાં રહેલા
તમ્ - તે
વિશ્વરૂપમ્ - સર્વરૂપ
ભવભૂતમ્ - જગતરૂપે પ્રકટ
ઇડ્યમ્ - સ્તુતિ કરવા યોગ્ય
પૂર્વમ્ - પુરાણ પુરુષ
દેવમ્ ઉપાસ્ય - પરમદેવ પરમાત્માને ઉપાસીને (મેળવવા જોઇએ).

ભાવાર્થઃ

પરમાત્માની પ્રાપ્તિ એમની ઉપાસના દ્વારા પણ કરી શકાય છે. આ શ્લોક દ્વારા એનો સંકેત સાંપડે છે. એ પરમાત્મા સૌના આદિ છે, કલારહિત છે, દેશકાળથી અતીત છે. એમને લીધે જ જીવનો પ્રકૃતિ સાથે સંયોગ સધાય છે. એ માનવ હૃદયપ્રદેશમાં વિરાજમાન છે, સર્વરૂપ છે, અને સર્વવ્યાપક છે. એ જ સ્તુતિ કરવા યોગ્ય છે. એમની શ્રદ્ધાભક્તિપૂર્વક ઉપાસના કરવાથી એમનો સાક્ષાત્કાર થઇ શકે છે. એટલા માટે એમની આરાધનાનો આધાર લેવો જોઇએ.