સ્વાતિબિંદુ
વસંતની વહેલી સવારે પર્વત પરથી પસાર થતા વાદળને મેં કહ્યું, જરા ઊભું તો રહે !
એણે કહ્યું, મને વખત જ ક્યાં છે ? જે કહેવું હોય તે સાંભળવા તૈયાર છું, કહી દે. બાકી ઊભા રહેવાનો મને વખત જ ક્યાં છે !
કિલકિલાટ કરતા, કિશોર જેવા કલરવ કરતાં વહી જતાં ઝરણને કહ્યું, બે ઘડી જરા ઊભું તો રહે.
એણે કહ્યું કે મને વખત જ ક્યાં છે ! મહીની મંગલમયી મહાયાત્રામાંથી મને કામચલાઉ કાળને માટે પણ અળગું કરીને ઊભા રહેવાનો વખત જ ક્યાં છે !
કમળવનમાં ક્રીડા કરતા ભ્રમરે, પંખીએ ને સિંધુએ પણ એજ પ્રત્યુત્તર પૂરો પાડ્યો.
તેજસ્વી તારામંડળે તાલબદ્ધ સ્વરે એમાં પૂર્તિ કરતાં કહેવા માંડ્યું, હે મહામંડળના મહાકવિ, તું જ વિચાર કર કે અમારી પાસે વિરામનો વખત જ ક્યાં છે ?
જીવનમાં જેને કૈંક જીવવા જેવું મળી ગયું છે તેને ઊભા રહેવાનું, રાહ જોવાનું કારણ જ ક્યાં છે !
- શ્રી યોગેશ્વરજી